ઉત્તરપ્રદેશમાં સપા-બસપા જોડાણમાં સ્થાન નહીં મળ્યા બાદ કોંગ્રેસે રવિવારે જાહેર કર્યું કે તે યુપીની બધી 80 લોકસભાની બેઠકોને લડશે. જોકે, કોંગ્રેસે ગઠબંધનના દરવાજા ખૂલ્લા રાખ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે જો કોઈ બિનસાંપ્રદાયિક પક્ષ કૉંગ્રેસ સાથે જોડાણ માટે તૈયાર છે તો કોંગ્રેસ તે માટે તૈયાર છે. ભાજપ સામે લડવા માટે કોંગ્રેસે સેક્યુલર પાર્ટીઓ સાથે જોડાણના દ્વાર ખુલ્લા રાખ્યા છે.
કોંગ્રેસના ઉત્તર પ્રદેશના ઇનચાર્જ ગુલામ નબી આઝાદે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશમાં બધી 80 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે અને ભાજપને હરાવશે. તેમણે આશા વ્યક્ત કરી કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં 2009 કરતાં વધુ બેઠકો જીતશે.
કોઈ પણ પાર્ટી સાથે કોંગ્રેસ જોડાણ કરશે કે કેમ તે પ્રશ્ન અંગે તેમ આઝાદે કહ્યું કે જો કોઈ બિનસાંપ્રદાયિક પક્ષો જોડાણ કરવા કોંગ્રેસ તૈયાર છે. સપા-બસપા ગઠબંધનમાં કોંગ્રેસ પણ શામેલ થાય તેવી ઈચ્છા હતી પરંતુ કોઈ સાથે ચાલવા માંગતો ન હોય તો તેમાં હવે કશું કરી શકાય એમ નથી.
લોકસભાની ચૂંટણી સપા-બસપા સાથે જોડાણની શક્યતા અંગે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ તમામ ઘર્મનિરપેક્ષ પાર્ટીઓનું સ્વાગત કરશે. પહેલા કોંગ્રેસ 25 સીટ પર ચૂંટણી લડતી હતી હવે 80 સીટ પર ચૂંટણી લડશે.
અગાઉ વરિષ્ઠ કોંગ્રેસી નેતા પી. ચિદમ્બરમે શનિવારે કહ્યું હતું કે તેમની પાર્ટી એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવા તૈયાર છે પણ સાથે તેમણે યુપીમાં સપા-બસપા દ્વારા ગઠબંધન અંગે પુનર્વિચાર કરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. યુપીમાં કોંગ્રેસને કમજોર સમજવાની જરૂર નથી. જરૂર પડ્યેથી કોંગ્રેસ પોતાના બળે ચૂંટણી લડશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આશા વ્યક્ત કરી હતી કે સમાજવાદી પક્ષ (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વડા માયાવતી વચ્ચે બેઠકોના વિભાજન અંગેનો નિર્ણય અંતિમ નથી. ચિદમ્બરમે કહ્યું કે જેમ-જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ઉત્તર પ્રદેશમાં વ્યાપક આધાર ધરાવતું ગઠબંધન બનાવવામાં આવશે.