ુજરાત કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના મહેસુલ અને ગૃહ ખાતામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે ટીપ્પણી કરવામાં આવતા ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં દેખાવો, ધરણા અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને વલસાડ સહિતના શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજી કોંગ્રેસે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાત સરકારના મહેસુલ અને ગૃહ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર કરવામાં આવેલી ટીપ્પણીને લઈ વલસાડ કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વલસાડ કોંગ્રેસના નેતાઓએ વિજય રૂપાણીના રાજીનામાની માંગ સાથે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં કહ્યું હતું કે ગુજરાતના સૌથી ભ્રષ્ટ વિભાગોમાં મહેસુલ અને ગૃહ ખાતું છે. મહેસુલ ખાતાના મંત્રી તરીકે કૌશિક પટેલ છે અને ગૃહ ખાતામાં પ્રદીપસિંહ જાડેજા રાજ્ય મંત્રી છે જ્યારે ખુદ મુખ્યમંત્રી પાસે ગૃહ ખાતાનો હવાલો છે. તો પ્રશ્ન એ થાય છે કે મુખ્યમંત્રીના રાજકાજમાં ગૃહ ખાતામાં ભ્રષ્ટાચાર ચાલે છે, તેવો પ્રશ્ન પણ કોંગ્રેસે કર્યો હતો.
ભરૂચમાં પણમુખ્ય મંત્રીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરીનો ઘેરાવો કરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને 20થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરત કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાની આગેવાની હેઠળ કોંગ્રેસે ધરણા યોજી મુખ્યમંત્રી રૂપાણીના નિવેદનને વખોડી કાઢયું હતું અને 25 વર્ષથી સરકારમાં રહેલા ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો હોવાનો આરોપ મૂક્યો હતો.