સુરત કોંગ્રેસમાં એક ડ્રાઈવરને હોદ્દો આપવામાં આવ્યો છે તે મામલે કેટલાક લોકોએ ભારે હોબાળો મચાવ્યો તો તેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખના એક સમયે ડ્રાઈવર રહેલા એવાં દલિત કાર્યકર કિશોર સુરતીએ પોતાની વાત રજૂ કરી છે. સુરત કોંગ્રેસમાં તેમને મંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે.
કિશોર સુરતીએ જણાવ્યું કે પાછલા 32 વર્ષથી હું બાબુભાઈ રાયકાના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો પરંતુ પાછલા 10 વર્ષથી હું વ્યક્તિગત રીતે કામ કરું છું. સુરત કોંગ્રેસમાં કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય તેમાં બૂથ મેનેજમેન્ટમાં કામગીરી બજાવી છે અને સક્રીય રીતે કોંગ્રેસમાં કામ કરતો આવ્યો છું.
તેમણે જણાવ્યું કે ભેસ્તાનના કોંગ્રેસના કોર્પોરેટર સતીષ પટેલ માટે પણ જીઆઈ-બૂઢીયામાં કામ કર્યું છે અને કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર પણ કર્યો છે. કોંગ્રેસમાં સતત સક્રીય રહીને કામ કર્યું છે. આ અંગે સતીષ પટેલ અને અન્ય કોંગ્રેસીઓ પણ સારી રીતે માહિતગાર છે. પહેલી વખત કોંગ્રેસમાં હોદ્દો મળ્યો તો તેમાં આટલો બધો વિવાદ થયો છે જેના કારણે મને દુખની લાગણી થાય છે.
વિગતો મુજબ કિશોર સુરતી દલિત સમાજમાંથી આવે છે અને તેઓ સુરતના ઉધના અને જીઆવમાં પોતાની માલિકીના મકાન ધરાવે છે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાને ત્યાં તેઓ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પરંતુ પાછલા કેટલાક વર્ષોથી તેમણે પોતાનો ધંધો શરૂ કર્યો છે. તેઓ સારી એવી જમીનનાં માલિક પણ છે જે જમીનની કિંમત આજે કરોડોમાં અંકાય છે.