કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ સીએમ શીલા દીક્ષિતનું લાંબી માંદગી બાદ 81 વર્ષની વયે આજે નિધન થયું છે. શિલા દીક્ષિત લાંબા સમયથી બિમારી સામે લડી રહ્યા હતા જેમાં આજે તેમનું નિધન થયું છે. શિલા દીક્ષિતે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસથી કરી હતી. જ્યાં તેઓ ત્રણ ટર્મ સુધી એટલે કે 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા.
અરવિંદ કેજરીવાલના આવ્યા બાદ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી લાંબા સમય સુધી તેઓ રાજકીય કારકિર્દીથી દૂર રહ્યા હતા. જે પછી તેમને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા. આમ છતાં લોકસભાની ચૂંટણીમાં તેમનો જાદુ નહોતો ચાલી શક્યો.

શીલા દિક્ષિતનું જીવન
31 માર્ચ 1938માં તેમનો જન્મ થયો હતો. દિલ્હીની કોન્વેટ સ્કૂલમાંથી તેમણે શિક્ષા ગ્રહણ કરી હતી. જે પછી મિરાંડા હાઉસ કોલેજમાંથી તેઓ સ્નાતક અને અનુસ્નાતક થયા હતા. તેમના લગ્ન પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની તથા પૂર્વ રાજ્યપાલ અને કેન્દ્રિય મંત્રીમંડલના મંત્રી ઉમાશંકર દીક્ષિતના પરિવારમાં થયા હતા. તેમના પતિ વિનોદ દીક્ષિત ભારતીય પ્રશાસનિક સેવાના સદસ્ય હતા. તેમને બે બાળકો છે. જેમાં એક પુત્ર અને પુત્રી છે.

તેઓ દિલ્હીના ત્રણવાર મુખ્યમંત્રી રહી ચુક્યાં છે. 2014માં તેમને કેરલના રાજ્યપાલ બનાવવામાં આવ્યાં હતાં. જો કે તેમણે 25 ઓગસ્ટ 2014ના રોજ રાજીનામુ આપી દીધું હતુ. તેઓ આ વર્ષે ઉત્તર-પૂર્વ દિલ્હીથી લોકસભાની ચૂંટણી લડ્યાં હતા. જો કે તેમણે ભાજપના મનોજ તિવારી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.