ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવા માળખાની જાહેરાત આજે થશે કાલે થશે એવી ચર્ચા વચ્ચે અમદાવાદમાં પ્રદેશ કમિટીના મુખ્યાલય પર હોદ્દાઓની વહેંચણીની કુશ્તી કરવામાં આવી રહી છે. વફાદારોને સાચવી લેવા માટે ભારે લોબીંગ કરવામાં આવી રહ્યું હોવાથી નવા માળખાનું લિસ્ટ ઘોંચમાં પડી રહ્યું છે.
પાછલા 6 મહિનાથી પ્રદેશ કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોને કોણીએ ગોળ લગાડતી આવી રહી છે. લિસ્ટ દિલ્હી મોકલાયું છે, આજે જાહેરાત કરાશે, કાલે જાહેરાત કરાશેની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અહેમદ પટેલ લોબી દ્વારા કેટલાક નામોને લઈ ભારે બખેડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ ત્યાગ પછી કોંગ્રેસમાં રહેલા નેતાઓને સમાવવા માટે મધુસુદન મિસ્ત્રીએ સૂચવ્યું છે. પરેશ ધાનણી અને અમિત ચાવડા બરાબરના બાથે ભીડ્યા હોવાની ચર્ચા કોંગ્રેસમાં થઈ રહી છે.
હકીકત એવી સામે આવી રહી છે કે કોંગ્રેસમાં જૂથવાદ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. રાહુલ ગાંધી દ્વારા જૂથવાદ મૂક્ત ગુજરાત કોંગ્રેસની વાત માત્ર વાત જ પુરવાર થઈ રહી છે. વર્તમાન પ્રમુખ અમિત ચાવડાને ફ્રી હેન્ડ આપવામાં આવશે અને તે પ્રકારે સંગઠનનું માળખું તૈયાર કરવામાં આવશે એવી વાતો દોદળી સાબિત થઈ રહી છે.
કોંગ્રેસ વર્તુળો મુજબ નવા માળખામાં સમાવિષ્ટ થવા માટે લઘુમતિઓએ પણ છેક દિલ્હી સુધી રજૂઆતોનો મારો ચલાવ્યો છે. મોવડી મંડળ અસમંજસમાં મૂકાઈ જવા પામ્યું છે. કોને કાપવા અને કોને લેવા તે મામલે ભારે ધમાસાણ ચાલી રહ્યું છે. સુરત શહેરની વાત કરીએ તો સુરતના લઘુમતિના કાર્યકરો અને આગેવાનોએ પણ પોતાના આકાઓ સાથે ચર્ચા પર ચર્ચા કરી વફાદારોને હોદ્દો આપવા માટે કમરકસી લીધી છે, જેના કારણે પણ પ્રદેશ કોંગ્રેસમાં નામ નક્કી કરવા માટે વિવાદ પર વિવાદ સર્જાઈ રહ્યા છે.
સુરતના કોંગ્રેસ વર્તુળો મુજબ કદીર જૂથની સામે શૌકત મુન્શી અને હાલમાં જ નવી ધરી બની રહેલા કામરાન ઉસ્માની જૂથે હાથ મિલાવી લીધા છે તો બીજી તરફ કદીર જૂથ અને જવાહર જૂથે પોતાના માણસોને હોદ્દો મળે તે માટે સમજૂતી કરી લીધી હોવાની જાણકારી મળી રહી છે. જવાહર ઉપાધ્યાય હાલ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઓફિસની કમાન સંભાળી રહ્યા છે અને અર્જુન મોઢવડિયા સાથે ચાલી રહ્યા છે. જ્યારે કદીર પીરઝાદા પર એઆઈસીસીના ખચાનચી અહેમદ પટેલના ચાર હાથ છે. એટલે સુરતમાં હોંદ્દા માટેની હરણફાળ કાપાકાપી પર આવી ગઈ છે.
વર્તુળો મુજબ પ્રદેશ સંગઠનમાં ગોઠવાઈ જવા માટે સુરતના કેટલાક કાર્યકરો અને આગેવાનોએ અમદાવાદ ખાતે ધામા નાંખ્યા છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં સંગઠનની યાદી ફાઈનલ કરવામાં આવી રહી હોવાની વાત વચ્ચે સુરત જ નહીં પણ રાજ્યના અન્ય શહેરોમાંથી પણ કોંગ્રેસીઓ સીધા અમદાવાદ પહોંચી રહ્યા હોવાની માહીતી મળી રહી છે.