ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલના ભણકારા વાગી રહ્યા છે. કોંગ્રેસના મોટા નેતાઓ સહિત અનેક યુવા નેતાઓએ હાલના પ્રમુખ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી જૂથની સામે મોરચાબંધી કરતા અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. અર્જુન મોઢવડીયાના ગાંધીનગર ખાતેના નિવાસે કોંગ્રેસના સિનિયર નેતાઓ એકત્ર થયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને મળવા માટે નેતાઓએ વિચારણા કરી હતી, હવે આ તમામ નેતાઓ રાહુલ ગાંધીને મળવા માટે તજવીજ કરી રહ્યા છે.
મીડિયા સાથેની વાતચીતમાં અર્જુન મોઢવડીયાએ કહ્યું કે કોંગ્રેસને 2019ની ચૂંટણીમાં મજબૂત કરવા માટે એકત્ર થયા છે. પાર્ટી વિરુદ્વનું કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી. સિનિયર નેતાઓ મળ્યા છે અન ચોક્કસ નેતાઓને જ નિમંત્રણ આપવામાં આવ્યા હતા. આ મીટીંગમાં સિનિયર નેતા દિનશા પટેલ, નરેશ રાવળ, સિધ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, અલ્પેશ ઠાકોર વગેરે હાજર રહ્યા હતા.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે કેટલાક લોકોની સામે અવાજ ઉઠાવવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ સિનિયર આગેવાનોની અવહેલના પક્ષ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સિનિયર નેતાઓની નારાજગી હોય તેને દુર કરવામાં આવે તે જરૂરી છે.
કોંગ્રેસ વર્તુળો મુજબ સિનિયર નેતાઓ કોંગ્રેસના વર્તમાન માળખાથી સંતુષ્ટ નથી. લોકસભાની ચૂંટણીને 100 દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓનો જમાવડો કોંગ્રેસના શ્વાસ અધ્ધર કરી શકે તેવું લાગે છે, હાલ કોંગ્રેસના કેટલાક નેતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે અને પ્રદેશ કોંગ્રેસના નવા માળખામાં મનમાની કરવામાં આવી હોવાનો આક્ષેપ વારંવાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસમાં મોટાપાયા પર ભાંગફોડની શક્યતા નકારી શકાતી નથી.