ગઈકાલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વિધાનસભાના પૂર્વ નેતા સિનિયર કોંગ્રેસી અર્જુન મોઢવડિયાના નિવાસે બઘડાટી બોલાવાયા બાદ 29મીએ ગુજરાત આવી રહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની ઘેરાબંધી કરવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને જસદણ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હારના પડઘા પડી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે.
જસદણમાં કોંગ્રેસ જે પ્રકારે હારી છે તે જોતાં સિનિયર અને યુવા નેતાઓ માની રહ્યા છે કે પ્લાનીંગ કરીને ચૂંટણીનું તંત્ર ગોઠવવામાં આવ્યું હોત તો વિધાનસભામાં ભાજપની સદી થઈ ન હોત. પરંતુ કોઈને પણ જવાબદારી સોંપવામાં આવી નહી અને કોંગ્રેસને કારમી હાર ખમવી પડવાની નોબત આવી.
સિનિયર કોંગ્રેસી નેતાઓ વર્તમાન પ્રદેશ માળખાથી સંતુષ્ટ નથી અને નજીકના ભવિષ્યમાં આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં બહાર આવેલા અસંતોષ ઠારવાની જવાબદારી હવે રાજીવ સાતવનાં માથે આવી ગઈ છે. ભૂતકાળમાં ડોકીયું કરીએ તો આવા જ પ્રકારની નારાજગી શંકરસિંહ વાઘેલાની હતી અને ત્યાર બાદ કુંવરજી બાવળીયાએ પણ આવા જ કારણો આપી કોંગ્રેસને છોડી હતી.
પ્રદેશ કોંગ્રેસના માળખામાં મજબૂત અને કામ કરતા લોકોને હોદ્દાઓ આપવાના બદલે ક્યાંક મામા-માસીવાળું ચલાવવામાં આવ્યું તો ક્યાંક પાર્ટી ફંડના વળતર તરીકે કેટલાક છાપેલા કાટલાઓને હોદ્દાઓની લહાણી કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પણ જસદણ સહિત ગુજરાત કોંગ્રેસના માળખા અંગેનો વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે પણ તે પહેલાં પ્રભારી રાજીવ સાતવ સમક્ષ સિનિયર કોંગ્રેસીઓ રજૂઆત કરવાનો મનસૂબો બનાવી રહ્યા છે.
હાલ તો પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ દિનશા પટેલ, તુષાર ચૌધરી, નરેશ રાવળ, સિદ્ધાર્થ પટેલ વગેરેએ સીધી રીતે ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા સામે મોરચો ખોલી દીધો છે. એકહથ્થુ ચાલી રહેલી કોંગ્રેસમાં પરિવારની ભાવનાનાં બદલે આંતરિક યાદવાસ્થળી જામતા નોબત છેવટે હાઈકમાન્ડને રજૂઆત કરવા સુધી આવી પહોંચી છે. અમિત ચાવડાએ સિનિયર કોંગ્રેસીઓને લાગણીને યોગ્ય ઠેરવતું નિવેદન આપ્યું છે અને કોંગ્રેસના હિતમાં કામ કરવા માટે આગળ આવવાનું કહ્યું છે. હવે રાજીવ સાતવને મળ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગવામાં આવશે એવું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે.