અમદાવાદ: યુવા નેતા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદે નિમણૂંક કરવામાં આવી છે પણ કોંગ્રેસમાં હાર્દિક પટેલની હાડમારીનો અહીંથી પ્રારંભ થઈ રહ્યો છે. હાર્દિક પટેલની સામે કોંગ્રેસમાં ચટ્ટાન જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ફોજ છે જેઓ હાર્દિકની નિમણૂંકથી મોટાપાયા પર ગિન્નાયા છે.
યાદ કરો કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના સિનિયર નેતાઓના ચક્રવ્યૂહમાં ભેરવાયા અને આબાદ રીતે હિન્દી ભાષી પ્રકરણ બાદ ઠાકોર માટે કોંગ્રેસે સીધી રીતે ટપોટપ દરવાજા બંધ કરવા માંડ્યા હતા. આખરે અલ્પેશ ઠાકોર એવી સ્થિતિમાં મૂકાયા કે હોદ્દાઓ તો અપરંપાર હતા પરંતુ તેના માટે તેમણે કશું કરવાનું હતું અને શોભાનાં ગાંઠીયાની જેમ લેટર પેડ હોદ્દાઓ ભાગવવાનો વારો આવ્યો હતો.
હાર્દિક પટેલ માટે કોંગ્રેસે લાલજાજમ પાથરી છે પણ કોંગ્રેસમાં જાજમ પાછી ખેંચી લેવાના અનેકાનેક કિસ્સાઓ છે. પ્રથમ વાત એ છે કે હાર્દિક પટેલની નિમણૂંક એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે રાજસ્થાનમાં રાહુલ ગાંધીના અત્યંત નજીક મનાતા સચિન પાયલોટો બળવો કરી દીધો છે. એક તરફ સચિન પાયલોટને તગેડી મૂકવામાં આવ્યા તો બીજી તરફ રાહુલ ગાંધીના અત્યંત વિશ્વાસુ એવાં હાર્દિક પટેલને શિરપાવ આપવામાં આવ્યો. કોંગ્રેસના નેતાઓ જાણે છે કે સિંધીયા અને સચિન પાયલોટ પ્રકરણથી રાહુલ ગાંધી સિનિયર કોંગ્રેસીઓ કે ખુદ માતા સોનિયા ગાંધીના નિર્ણયોથી ખુશ નહીં જ થયા હશે. રાહુલ ગાંધીને પણ ગાલે થપ્પડ મારી હાર્દિક રૂપે પંપાળવાની કોશીશ કરવામાં આવી છે.
હવે હાર્દિક મામલે સિનિયર કોંગ્રેસીઓના પેટમાં તેલ રેડાયું છે. હાર્દિક પટેલની સામે પ્રથમ તો અહેમદ પટેલ જેવા વરિષ્ઠ કોંગ્રેસી નેતા છે. અહેમદ પટેલને પૂછ્યા વિના ગુજરાત કોંગ્રેસમાં કશું થતું નથી. હાર્દિકની નિમણૂંકથી અહેમદ પટેલ જરા પણ રાજી થયા નહીં હશે. અહેમદ પટેલ બાદ કોંગ્રેસમાં હાર્દિકનો સામનો સીધી લીટીના અહેમદ પટેલના વફાદારો એવા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહીલ, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવડિયા, વર્તમાન પ્રમુખ અમિત ચાવડા સહિતના રાવણાની સામે થવાનો છે. આ તમામ નેતાઓ કાર્યકારી પ્રમુખની નિમણૂંકથી ખૂશ થયા નહીં હશે અને હાર્દિક માટે આ મોટામાં મોટી ખતરાની ઘંટી છે.