વલસાડના કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી સાથે શુકવંતા બનાવ બન્યા છે. પ્રથમ બનાવમાં ભાજપના નેતા ડો.ડીસી પટેલે તેમને આશિર્વાદ આપ્યા અને બીજા બનાવમાં વાંસદાના પૂર્વ ધારાસભ્ય દ્વારા તેમને જીતની શૂભેચ્છા આપવામાં આવી છે.
ગુજરાતમા રાજ્યસભાની ચૂંટણી માટે મરણિયો જંગ ખેલવામાં આવ્યો હતો. અહેમદ પટેલને પાડી દેવા માટે અનેક પ્રકારના કાવા-દાવા કરવામાં આવ્યા હતા. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સાથે છેડો ફાડી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેનારા વાંસદાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છના ચૌધરીએ વલસાડ લોકસભાની કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને શ્રીફળ આપી જીતની શૂભેચ્છા પાઠવી હતી.
છના ચૌધરીએ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન અહેમદ પટેલની વિરુદ્વમાં જઈ રાજીનામું આપી દીધું હતું. છના ચૌધરી પર તે સમયે અનેક પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને ટીકીટ તો આપી જ નહીં પણ ભાવ સુદ્વાં પૂછ્યો ન હતો. હાલ તેઓ નિષ્ક્રીય થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીએ તેમની મુલાકાત લેતા છના ચૌધરીએ તેમને જીત માટેની શૂભેચ્છા આપતા કોંગ્રેસ સહિત ભાજપમાં ચણભણાટ શરૂ થઈ જવા પામ્યો છે.