મોદી સરકારે પોતાના તમામ 56 મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરી લીધુ છે. શનિવારે 10 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં તમામ 27 કેબિનેટ મંત્રી સહિત 56 મંત્રીઓના કામકાજનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. મંત્રીઓના કામકાજને મૂલ્યાંકન કરવાના હેતુથી વિભાગોના 8 ક્લસ્ટરમાં વિભાજન કરવામાં આવ્યું હતું.
કેટલાક મંત્રીઓને બાદ કરતા મોટાભાગના તમામ વિભાગોના સેક્રેટરીઓએ પોત-પોતાના વિભાગોની જાણકારી આપી હતી. સુત્રો અનુસાર, નાણાંમંત્રી, પરિવહન મંત્રી અને રેલ મંત્રીને છોડીને મોટાભાગના તમામ વિભાગો તરફથી અધિકારીઓએ વિચાર-વિમર્શમાં ભાગ લીધો હતો.
આ બેઠકમાં સામેલ થયેલા એક મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાને તમામ ક્લસ્ટરની મિટિંગમાં હસ્તક્ષેપ કર્યો છે. જે લોકોના વિભાગથી વડાપ્રધાન નારાજ છે, તેમા અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ સામેલ છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પાસેથી સૌથી વધુ સ્પષ્ટતા માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નાણાંમંત્રીની હાલ સૌથી વધુ આલોચના થઈ રહી છે. આર્થિક મંદી અને કોર્પોરેટ જગતમાં સરકારની નીતિઓ પ્રત્યે ઉદાસિનતાના કારણે નાણામંત્રીની સૌથી વધુ ટીકા થઈ રહી છે.
કૃષિ, શહેરી, ગ્રામ વિકાસ મંત્રાલય, પશુ પાલન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલયને એક જ ક્લસ્ટરમાં રાખવામાં આવ્યા હતા. PM મોદીએ કન્ઝ્યુમર મંત્રાલયના કામકાજ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે, તાજેતરમાં ડુંગળીની વધતી કિંમતોના કારણે સરકારની ભારે ફજેતી થઈ રહી છે.
કહેવાય છે કે, રામવિલાસ પાસવાન આગામી મંત્રી મંડળના વિસ્તારમાં મંત્રી પદેથી દૂર થઈ શકે છે. આગામી મંત્રી મંડળના વિસ્તારમાં રામ વિલાસ પાસવાનની જગ્યાએ લોકજન શક્તિ પાર્ટીના ચિરાગ પાસવાનને જગ્યા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણી બાદ રામવિલાસ પાસવાને વડાપ્રધાન મોદી અને અમિત શાહને મળીને પોતાના સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને પુત્ર ચિરાગને મંત્રીમંડળમાં સ્થાન આપવા માટે ભલામણ કરી હતી.
આજ પ્રમાણે કૌશલ વિકાસ મંત્રી (Minister for Skill Development) મહેન્દ્ર પાંડેયના કામકાજથી વડાપ્રધાન ખુશ નથી. આ બેઠકમાં આ વાત પર નારાજગી વ્યક્ત કરવામાં આવી કે, સ્કિલ ઈન્ડિયાનું અભિયાન ઠંડુ પડી રહ્યું છે. નાણાં મંત્રાલય બાદ સૌથી વધુ માનવ સંશાધન વિકાસ મંત્રાલય પાસેથી સવાલના જવાબો માંગવામાં આવ્યા હતા. એવું મનાય છે કે, આગામી મંત્રી મંડળના વિસ્તારમાં રમેશ પોખરિયાલ નિશંકને અન્ય કોઈ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ ઉપરાંત શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીનું પણ મંત્રી મંડળમાંથી પત્તુ કપાઈ શકે છે.
જણાવી દઈએ કે, મંત્રી મંડળના કામકાજની સમીક્ષા 6 મહિના બાદ થઈ રહી હતી. જો કે વડાપ્રધાન મોદી ઈચ્છતા હતા કે, મંત્રી મંડળમાં વિસ્તાર પહેલા તમામ વિભાગના મંત્રીઓને પોતાની વાત રજૂ કરવાની એક તક મળે. જેથી તમામ લોકો સમજી શકે કે, કોને મંત્રી મંડળમાંથી કેમ છૂટ્ટા કરવામાં આવ્યા. એક પારદર્શી પક્રિયા અંતર્ગત મંત્રીઓના કામકાજની સમીક્ષા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી 14 જાન્યુઆરી બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે. જેમાં JDU તરફથી બે કેબિનેટ મંત્રી, ADMK તરફથી એક મંત્રી સામેલ થઈ શકે છે. TRS સહિત અન્ય નાની પ્રાદેશિક પાર્ટીઓ ભાજપ મોવડીમંડળ સાથે સંપર્કમાં છે. અકાલી દળના ક્વોટાથી કેન્દ્રમાં મંત્રી બનેલા હરસિમરત કૌરની જગ્યાએ સુખબીર સિંહ બાદલને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળી શકે છે.
જણાવી દઈએ કે, હાલ મોદી સરકારમાં કુલ 57 મંત્રીઓ છે. નિયમ પ્રમાણે 81 મંત્રી સુધી હોવા જોઈએ. મોદી સરકાર “મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નેસ”ની નીતિ પર કામ કરતી આવી છે. જો કે છેલ્લી સરકારમાં 70 મંત્રીઓ હતા. એવી સંભાવના છે કે, ઓછામાં ઓછા એક ડઝન નવા મંત્રીઓ બનાવવામાં આવી શકે છે. આ સાથે જ હાલ જે 5થી વધુ મંત્રીઓ પાસે ત્રણથી વધુ મંત્રાલય છે, તેમના કામકાજનું ભારણ પણ ઓછુ કરવામાં આવી શકે છે.