રાજસ્થાન વિધાનસભાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સુમેરપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભાને સંબોધન કરતી વખતે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર આક્રમક પ્રહાર કર્યા હતા અને કહ્યું કે આ પાર્ટીએ દેશની ચાર પેઢીઓને બરબાદ કરી નાંખી છે.
નેશનલ હેરાલ્ડ કેસ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આરોપીના પાંજરામા ઉભા કરતા પીએમ મોદીએ કહ્યું કે બન્ને મા-દિકરા જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે. હવે હું જોઈશ ક મા-દિકરાને કોણ બચાવે છે. પહેલાં કોંગ્રેસ ચાર પેઢીનો જવાબ આપે પછી જ ભાજપ સરકારના ચાર વર્ષનો હિસાબ માંગે.
તેમણે કહ્યું કે રાજસ્થાનના લોકોએ ભાજપને વિજય બનાવવાનો નિર્ણય કરી લીધો છે. અમે બધા જ એક એક ઘરે પહોંચીશું. એક એક મતદારને મળીશું અને વધુમાં વધુ મતદાન કરાવી રાજસ્થાનમાં ભાજપની સરકારનો વિજય ડંકો વગાડીશું. કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં ચૂટણી હારી ચૂકી છે. હવે કોંગ્રેસના નેતાઓ એવી ફિરાકમાં છે કે હારનું ઠીકરું કોંગ્રેસના નામદાર પર નહીં ફૂટે.
તેમણે કહ્યું કે હું સોનાની ચમચી લઈને જન્મ્યો નથી. મેં ગરીબી જોઈ છે. ઈન્દીરા ગાંધી વડાપ્રધાન હતા, રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને સોનિયા ગાંધીના હાથમાં વડાપ્રધાનનું રિમોટ કન્ટ્રોલ હતું. હું કોંગ્રેસના નામદારને પડકાર ફેકું છું કે કોઈ પણ પેપર હાથમાં લીધા વિના કોંગ્રેસ પ્રમુખોના નામ બોલી બતાવે.
વીવીઆઈપી હેલિકોપ્ટર સૌદામાં ક્રિશ્ચયન મિશેલની ધરપકડ બાદ પહેલી વખત પોતાની પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાઝદારને અને દલાલને સરકાર દુબઈથી પકડી લાવી છે. હવે રાઝદાર રાઝ ખોલશે. માલૂમ નથી કે વાત ક્યાં સુધી જશે અને કેટલે દુર સુધી જશે.
અત્રે નોંધનીય છે કે વીવીઆઈપી હેલિકોપ્ટર સૌદામાં દલાલ મિશેલને દુબઈથી સીબીઆઈ ભારત લઈ આવી છે. કોંગ્રેસના શાસનમાં હેલિકોપ્ટર સૌદો થયો હતો અને 3600 કરોડની લાંચ આપવામાં આવી હતી. પણ કોંગ્રેસે પાછળથી આ સૌદો રદ્દ કર્યો હતો. સીબીઆઈનો આરોપ છે કે સરકારને સૌદાથી અબજો રૂપિયાનું નુકશાન થયું છે.