Politics: ચૂંટણીના મેદાનમાં ઉતરનારા પ્રત્યેક ઉમેદવારને એક વાતનું સૌથી શ્રેષ્ઠ ભાન રહેતું હોય છે કે મતદાતાઓને રીઝવવા તેઓને ગમે એવું બોલવાનું છે, તેઓને પોરસ ચઢે એવું બોલવાનું છે, તેઓને ના ગમે એવો એકપણ શબ્દ બોલવાનો નથી
લોકસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે અને 19 એપ્રિલથી 1 જૂન સુધીના સાત તબક્કામાં દેશના તમામ રાજ્યોમાં મતદાન યોજાશે અને 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે. ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ આજથી 80 દિવસ માટે આચારસંહિતા પણ લાગુ પડી ગઇ છે. ચૂંટણીપંચે ચૂંટણીની જાહેરાત કરી તે સાથે જ દેશમાં લોકતંત્રના એક મહોત્સવનું વાતાવરણ ઉભું થઇ ગયું છે, હવે આ ચૂંટણીના મેદાનમાં ઝૂકાવનારા મૂરતિયાઓએ 40 થી 47 ડિગ્રી સેલ્સિયસની ગરમીમાં પ્રચાર કરવા મતદાતાઓ પાસે જવું પડશે, તે સાથે જ નેતાઓની અને વિવિધ પક્ષોના કાર્યકરોની આકરી કસોટી પણ થઇ જશે. આ ચૂંટણીમાં જે ઉમેદવારનો પ્રચાર જેટલો અસરકારક રહેશે એટલી તેની જીતવાની શક્યતા વધુ રહેશે. ચૂંટણીના મેદાનમાં ઉતરનારા પ્રત્યેક ઉમેદવારને એક વાતનું સૌથી શ્રેષ્ઠ ભાન રહેતું હોય છે કે મતદાતાઓને રીઝવવા તેઓને ગમે એવું બોલવાનું છે, તેઓને પોરસ ચઢે એવું બોલવાનું છે, તેઓને ના ગમે એવો એકપણ શબ્દ બોલવાનો નથી, અર્થાત મોટાભાગના ઉમેદવારોને મોટા મોટા દાવા કરવા પડશે અને જૂઠાં વચનોની લ્હાણી કરવી પડશે, કેમ કે સત્ય કડવું હોય છે તેથી સાચું બોલવું ભારે પડી શકે તેમ હોય છે. ટૂંકમાં આ વખતની ચૂંટણીના પ્રચારમાં જૂઠની બોલબાલા રહેશે અને સત્ય ક્યાંય દબાઇને પડ્યું રહેશે.
નેતાઓ માટે ચૂંટણી એવી યોજનાઓની જાહેરાત કરવાનો સોનેરી અવસર હોય છે જેનો અમલ કરવો શક્ય જ હોતો નથી. રાજકીય નેતાઓ માટે આ એવો સમય હોય છે કે મતદારોની સમસ્યાઓ શોધી કાઢવી, અને જો સમસ્યાઓ ના હોય તો ઢગલાબંધ કાલ્પનિક સમસ્યાઓ ઉભી કરવી અને બાદમાં તેના ઉકેલનો જોરશોરથી પ્રચાર કરવો. રાજકારણમાં રહેલાં પ્રત્યેક નેતા અને ઉમેદવારો માટે, વિશેષ કરીને સત્તાધારી પક્ષના લોકો માટે સમસ્યાઓનો ઉકેલ લાવવાનું વચન આપીને અને જુઠાં વચનોની લ્હાણી કરીને પોતાની જીતને સુનિશ્ચિત કરી લેવું સૌથી મહત્વનું હોય છે. તાજેતરમાં જ કોંગ્રેસના એક ટોચના નેતાએ ભારતની પ્રત્યેક મહિલાને દર વર્ષે રૂ. 1 લાખ સીધા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું વચન આપ્યું હતું. આ એવું વચન છે જેનું પાલન કરવું આર્થિક રીતે તદ્દન અશક્ય છે, છતાં મહિલા મતદારોને તેમનું આ વચન ખુબ ગમ્યું છે. પ્રત્યેક રાજકીય નેતા ખુબ સારી રીતે જાણતો હોય છે કે ચૂંટણીના મેદાનમાં એ જ ઉમેદવાર વિજેતા બની શકે છે જે જૂઠાં વચનો આપે. જરૂરી નથી કે જેણે સમાજના કલ્યાણ માટે કઠોર પરિશ્રમ કર્યો હોય, અનેક સદકાર્યો કર્યા હોય અને પોતાનો લોહી-પરસેવો એક કર્યો હોય એ જ ઉમેદવાર વિજેતા બની શકે. મજાની વાત તો એ છે કે મતદારોને પણ નેતાઓના જૂઠાં વચનો ગમે છે, કેમ કે લોકશાહીમાં મતદારો જ સર્વોપરી હોય છે અને સાચુ શું અને ખોટું શું તે નક્કી કરવાનો અધિકાર પણ તેમનો જ હોય છે.
2014ની સાલમાં અમેરિકાના ઓહાયો રાજ્યના ડેમોક્રેટ સાંસદ સ્ટિવ ડ્રાઇહોસે સુસાન. બી. એન્થની લિસ્ટ નામના એક ગર્ભપાત વિરોધી સંગઠન વિરુદ્ધ એવો આરોપ મૂકતો કોર્ટમાં કેસ કર્યો હતો કે આ સંગઠને તેની જાહેરાતમાં તેમને ગર્ભપાતની તરફેણ કરતો દર્શાવ્યો છે. કેસ ખુબ લાંબો ચાલ્યો હતો અને છેવટે ઓહાયોની સધર્ન ડિસ્ટ્રિક કોર્ટના જજ તિમોથી બ્લેકે ઓહાયો રાજ્યના એ કાયદાને ગેરબંધારણીય ગણાવી રદ કરી નાંખ્યો હતો અને તેમના ચુકાદામાં એવું અવલોકન રજૂ કર્યું હતું કે ‘અમે નથી ઇચ્છતા કે રાજ્ય સરકાર નક્કી કરે કે રાજકીય સત્ય શું છે?, કેમ કે લોકશાહીમાં સાચુ-ખોટું નક્કી કરવાનો અધિકાર મતદારોની પાસે હોય છે’.
રાજકારણીઓ સહેજપણ શરમ કે સંકોચ રાખ્યા વિના જુઠું બોલે છે.
રખે ને એમ માનતા કે આ પ્રથા ફક્ત ભારત-પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા રાષ્ટ્રોમાં પ્રચલિત છે. વિશ્વના અત્યંત ધનાઢ્ય અને શિક્ષિત ગણાતા અમેરિકા અને બ્રિટન જેવા દેશોના રાજકારણીઓ પણ મતદારોને મૂર્ખ બનાવવા વિવિધ પ્રકારના જૂઠાણાં ચલાવતા હોય છે. સામાન્ય રીતે એમ મનાય છે કે કોઇપણ ચૂંટણી દરમ્યાન મની અને મસલ પાવરનો છૂટથી ઉપયોગ થાય છે, પરંતુ ના, આ માન્યતા હવે થોડી બદલાઇ ગઇ છે. જે ચૂંટણીના પ્રચારમાં સૌથી વધુ જૂઠનો ઉપયોગ થાય એ ઉમેદવારને જીતવાની શક્યતાઓ વધી જાય, કેમ કે વારંવાર બોલાતું જૂઠ અંતે સત્યમાં પલટાઇ જાય છે. જૂઠથી મોટા મોટા યુદ્ધો પણ જીતી શકાય છે. પૌલ જોસેફ ગોબેલ્સ હિટલરની સરકારમાં પ્રોપેગન્ડા (દુષ્પ્રચાર) મિનિસ્ટર હતો, અને હિટલરનો સૌથી પ્રિય સાથીદાર હતો. તે એવી થિયરીમાં દૃઢપણે વિશ્વાસ ધરાવતો હતો કે કોઇ જૂઠને સો વાર બોલવામાં આવે તો અંતે તે સાચું બની જાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન દુશ્મન દેશોના સૈનિકોનું મનોબળ તોડીને તેઓને હતાશ કરી નાંખવા તે જાત જાતની અફવાઓ ફેલાવતો અને એટલી આક્રમકતાથી તેનો ફેલાવો કરતો કે દુશ્મન દેશોના સૈનિકો તેને સાચી માની લેતાં. યુદ્ધ જીતવાનો આ એક શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક તરીકો છે.સમાન થિયરી ચૂંટણીનો જંગ જીતવામાં પણ લાગુ પડે છે.
રાજકારણીઓ પોતાના વિશે જૂઠ બોલે છે, પોતાના કાર્યો અને સિદ્ધિઓ વિશે જૂઠાં દાવા કરે છે, વિરોધપક્ષના નેતાઓ વિશે જુઠાણા ફેલાવે છે. આ લોકો પોતાની પ્રત્યેક જાહેરસભા, ભાષણ કે પ્રવચનોમાં વારંવાર જૂઠું બોલે છે, અને હવે તો સોશિયલ મીડિયાનું નવુ શસ્ત્ર તેઓના હાથ લાગી ગયું છે તેથી સોશિયલ મીડિયાના પ્રત્યેક પ્લેટફોર્મ ઉપર પણ તે જૂઠાણાની ભરમાર લગાવી દે છે. આ બધાનું પરિણામ એ આવે છે મતદારો પણ તેને સાચુ માનવા લાગે છે. અહીં બિલિયન ડોલરનો પ્રશ્ન એ થાય છે કે મતદારો તેઓના જૂઠાણા સામે કેમ કોઇ અવાજ નથી ઉઠાવતા? રાજકારણીઓ વારંવાર જૂઠું બોલે છે તે માટે તેમના કરતા તેમના મતદારો વધુ જવાબદાર છે. રાજકારણી નેતાઓને ગળા સુધીનો વિશ્વાસ હોય છે કે પ્રજા તેના જુઠાણાંને આસાનીથી સ્વિકારી લેશે.“મારા મતદારોને ખુશ કરવા મારે એ જ શબ્દો અને વચનો બોલવાના છે જે તેઓને ગળ્યાચટ લાગે. મારે એ જ બોલવાનું છે જે તેઓ સાંભળવા ઇચ્છે છે. તેઓને સહેજપણ બુરું લાગે એવો મારે એકપણ શબ્દ બોલવાનો નથી” એવી થિયરીથી પ્રત્યેક રાજકારણી ભલીભાંતિ પરીચિત હોય છે.
નેતાની લોકપ્રિયતા અને સત્ય સાથે ક્યાંય સંબંધ હોતો નથી, અને અપ્રિય નેતા તદ્દન કડવું સત્ય પણ જાહેર કરી શકે છે. અપ્રિય નેતાને કડવું સત્ય રજૂ કરતાં પોતે વધુ અપ્રિય થઇ જશે એવી પરવા હોતી નથી, જ્યારે લોકપ્રિય નેતાને પોતાની લોકપ્રિયતાનો ગ્રાફ જળવાઇ રહે તેની સતત ચિંતા અને પરવા હોય છે, માટે લોકપ્રિય નેતા પોતાના મતદારોને અપ્રિય લાગે એવું બોલવાનું પસંદ કરતા નથી, ઉલ્ટાનું પોતાની લોકપ્રિયતાને બરકરાર રાખવા મતદારો સમક્ષ ગમે એવા જૂઠાણાં ફેલાવવાનું તેને વધુ ગમતું હોય છે, તેથી લોકપ્રિય નેતા સાચું જ બોલે છે એમ માની શકાય નહીં. અમેરિકાના ભતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખુબ લોકપ્રિય હતા અને તેમણે પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવા તદ્દન જૂઠો પ્રચાર ફેલાવ્યો હતો અને તે પ્રચારના આધારે તે ચૂંટાઇ પણ આવ્યા હતા. તદઉપરાંત પોતાના ચાર વર્ષના શાસનકાળ દરમ્યાન પણ તેમણે સેંકડો જૂઠાણાં ચલાવ્યા હતા, પરંતુ તે મતદારોમાં ખુબ લોકપ્રિય હતા તેથી મતદારોને પણ તેમના જૂઠાણાં ખુબ ગમ્યા હતા.
દેશનો પ્રત્યેક મતદાર સારી રીતે જાણતો હોય છે કે પોતાનો નેતા જૂઠાં વચનો આપી રહ્યો છે છતાં તે અવાજ ઉઠાવતો નથી, કારણ કે તેને પણ ખબર હોય છે કે જૂઠનો સહારો લીધા વિના ચૂંટણી જીતવી શક્ય હોતી નથી, તેથી તે સહર્ષ પોતાના નેતાના જૂઠાણાં ચલાવી લે છે. સામાજિક મનોવિજ્ઞાનની ભાષામાં તેને ‘ક્રાઉડ વિઝડમ’ કહેવામાં આવે છે. સામાજિક મનોવિજ્ઞાનમાં ‘ક્રાઉડ વિઝડમ’ની વ્યાખ્યા કરવામાં આવી છે કે The collective judgment of a diverse group can compensate for the bias of a small group, અર્થાત કરોડો લોકોની માન્યતા એક નાના સરખા જૂથની દ્વેષયુક્ત માન્યતાને સરભર કરવા પૂરતી છે, બીજા શબ્દોમાં એમ કહી શકાય કે કરોડો લોકો જે માનતા હોય છે તેને માનવા અને સ્વિકારવા પેલા નાના જૂથના લોકો પણ દોરાય છે. આજના રાજકારણીઓ સામાજિક મનોવિજ્ઞાનના નિષ્ણાત ડોક્ટર છે