પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભા માટે રાજકીય ગરમા-ગરમી ચાલી રહી છે. 2019ની વ્યૂહ રચના તૈયાર કરવામાં પાર્ટીઓ લાગી ગઈ છે ત્યારે યુપીમાં વિધાનસભાની પાછલી જીતોનાં કારણે ઉત્સાહિત થયેલી વિપક્ષની પાર્ટીઓ ભાજપનાં સમીકરણોને બગાડવા માટે લાગી ગઈ છે અને એકજૂટ થઇને લડવા માટે તૈયાર હોવાનું જણાઈ આવી રહ્યું છે.
યુપીમાં સપા, બસપા ઉપરાંત આરએલડી વચ્ચે ગઠબંધનની ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને આ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ કરવામાં નહીં આવે તેવી અટકળો પણ ચાલી રહી છે. આમ તો કોંગ્રેસના ત્રણ રાજ્યોનાં મુખ્યમંત્રીઓની શપથવિધિમાં અખિલેશ અને માયાવતીએ હાજરી નહીં આપીને મહાગઠબંધનની રાજનીતિ પર પ્રશ્નાર્થ ઉભા કરી દીધા છે.
ન્યૂઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે યુપીમાં સપા-બસપા વચ્ચે 37-38 સીટોની વહેંચણીની ફોર્મ્યુલા તૈયાર કરી દેવામાં આવી છે.આરએલડીને ત્રણ સીટ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આરએલડીની ત્રણેય સીટો પશ્ચિમી યુપીની હશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીટ વહેંચણી અંગેના ફોર્મ્યુલાની જાહેરાત બસપા સુપ્રીમો માયાવતીના પંદરમી જાન્યુઆરીએ આવનાર જન્મદિવસે કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકારો બની હોવા છતાં ગઠબંધનમાં કોંગ્રેસની બાદબાકી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુપીમાં સપા-બસપા અને આરએલડી સાથે મળીને ગઠબંધન બનાવશે. અત્રે નોંધનીય છે કે આ ગઠબંધને પાછલા સમયમાં થયેલી ચૂંટણીઓમાં ભાજપને કારમી હાર આપી હતી.
આમ જોવા જઈએ તો દિલ્હીની ખુરશી પર બેસવાના સફરની શરૂઆત યુપીથી થાય છે. યુપીમાં સૌથી વધુ 80 લોકસભા સીટ આવે છે. સપા અને બસપા સાથે મળીને ચૂંટણી લડી સૌથી વધુ સીટો જીતવાનો લક્ષ્યાંક ધરાવે છે. બસપા અને સપાની જ્યાં સારી સ્થિતિ નથી ત્યાં ત્રણ સીટ આરએલડીને આપી દેવામાં આવશે. 2014માં ભાજપે અપના દળ સાથે મળીને યુપીમાં 73 સીટ જીતી હતી. સપાને પાંચ અને કોંગ્રેસને માત્ર બે જ સીટ પર સફળતા મળી શકી હતી. કોંગ્રેસની બે સીટોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો સમાવેશ થાય છે. જ્યારે પેટાચૂંટણીઓમાં સપાને બે સીટ, આરએલડીને એક સીટ મળી હતી. આ ત્રણેય સીટ ભાજપ પાસેથી આંચકી લેવામાં આવી છે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મહાગઠબંધન માટે વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાનો સપાના પ્રમુખ અખિલેશ યાદવે ઈન્કાર કર્યો છે. અખિલેશ યાદવે કહ્યું કે મહાગઠબંધનને લઈ માત્ર વાતો કરવામાં આવી રહી છે. શરદ પવાર, મમતા બેનરજી અને ચંદ્રબાબુ નાયડુ મહાગઠબંધનની કોશીશ કરી રહ્યા છે. પરંતુ જરૂરી નથી કે બધી જ પાર્ટીના લોકો એક નામ પર સહમત થઈ જાય. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રસ્તાવ અપ્રસ્તુત બની રહે છે.