કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતની મુલાકાતે આવી શકે છે અને ચૂંટણીને લઈને તેઓ એક મહિલા સભાને સંબોધિત કરી શકે છે, તેવી માહિતી હાલ કોંગ્રેસ તરફથી મળી રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ કોંગ્રેસમાં શરૂ થઈ ગયો છે. ત્યારે કઈ રીતે લોકોને કોંગ્રેસમાં લાવી શકાય અને કોંગ્રેસની વિચારધારા લોકોને સમજાવી શકાય તે માટે એક પછી એક બેઠકોનું આયોજન પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં કરવામાં આવી આવ્યું હતું ત્યારે આજે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કેમ્પેઇન કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કેમ્પેન સમિતિના ચેરમેન સિદ્ધાર્થ પટેલ અને કન્વીનર અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત આ સમિતિના અન્ય સભ્યો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
જો કે, આ બેઠકમાં લોકસભાની ચૂંટણી પ્રચાર કરવાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સિદ્ધાર્થ પટેલના જણાવ્યા અનુસાર ચૂંટણીના કાર્યક્રમોને લઈને સંકલિત અને વિસ્તૃત કાર્યક્રમો તૈયાર કરવામાં આવશે અને એટલું જ નહીં દરેક વિધાનસભાની બેઠક પર છેવાડા લોકો સુધી પહોંચવા માટેની તૈયારીઓ કરવામાં આવશે. આ ઉપરાંત 450થી 500 જેટલી સભાઓનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી શકે છે. મહિલાઓ અને યુવાનોને અનુલક્ષીને ખાસ કાર્યક્રમોનું પણ આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત લોકોના પ્રશ્નોને કેવી રીતે વાચા આપી શકાય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાને લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે પ્રયત્નો કરવામાં આવશે.
આ બેઠક બાદ અલ્પેશ ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે શીલા દીક્ષિત, નવજોતસિંહ સિદ્ધુ, સચિન પાયલોટ ગુજરાતમાં આવી શકે તેવી વાત ચાલી રહી છે. ગુજરાતના લોકોને જે નેતા ઉપર ભરોસો હોય તેવા નેતાઓને બોલાવવામાં માટે એક દરખાસ્ત કરવામાં આવશે અને આ ઉપરાંત કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને પણ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહે તેવી દરખાસ્ત કરવામાં આવશે.