ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામાની ઓફર કર્યા પછી રાહુલ ગાંધીએ પ્રથમ ટ્વિટ કરી હતી. તેમણે પોતાની ટ્વિટમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૃને તેમની પૂણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી હતી.
રાહુલે વધુમાં જણાવ્યું હતું કે ઘણા લોકશાહી દેશોએ ભારત સાથે જ સ્વતંત્રતા મેળવી પણ તે ટૂંક સમયમાં જ સરમુખ્ત્યારશાહીમાં પરિવર્તિત થઇ ગયા. આપણે નહેરુજીની પુણ્યતિથિએ મજબૂત, આધુનિક અને સ્વતંત્ર સંસ્થા બનાવવામાં તેમના ફાળાને ક્યારેય પણ ભૂલી શકીએ તેમ નથી. આ સંસ્થાઓને કારણે જ ભારતમાં૭૦ વર્ષથી લોકશાહી કાયમ છે.
આ દરમિયાન રાહુલ ગાંધીના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી રાજીનામું આપવા અડી ગયા છે. જો કે નવા પ્રમુખની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ પોતાના પદ પર બની રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધીના રાજીનામા આપવાના નિર્ણયની સાથે છે.
બીજી તરફ એવા પણ સમાચાર છે કે રાહુલ ગાંધી કોઇને પણ મળી રહ્યાં નથી. કેટલાક નવા ચૂંટાયેલા સાંસદોએ તેમને મળવાના પ્રયત્નો કર્યા પણ રાહુલે મળવાનો ઇનકાર કરી દીધો. રાહુલ ગાંધીની તમામ બેઠકો અને કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે.
આજે તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને વેણુગોપાલને મળ્યા હતાં. આ મુલાકાતમાં રાહુલ તેમને પોતાનો વિકલ્પ શોધી લેવા જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તે રાજીનામું પરત લેશે નહીં.