Rahul Gandhi: મહારાષ્ટ્ર ચૂંટણીમાં ‘મેચ ફિક્સિંગ’ના આરોપો, રાહુલ ગાંધીએ ભાજપ પર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો, ભાજપે નકાર્યું
Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 અંગે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે ભાજપ પર “મેચ ફિક્સિંગ” કરીને ચૂંટણી જીતવાનું કાવતરું ઘડવાનો અને લોકશાહીને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે.
Rahul Gandhiએ ઇન્ડિયન એક્સપ્રેસમાં પોતાના લેખમાં કહ્યું છે કે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના ગઠબંધન મહાયુતિએ 288 માંથી 235 બેઠકો જીતી હતી, પરંતુ આ જીત પાંચ પગલાની રણનીતિ હેઠળ પ્રાપ્ત થઈ હતી, જેમાં ચૂંટણી પંચની પસંદગીમાં ગોટાળા, મતદાર યાદીમાં ખોટા નામ, મતદાનના આંકડામાં વધારો, ખોટા મતદાન અને પુરાવા છુપાવવા જેવા પગલાંનો સમાવેશ થતો હતો.
તેમણે કેન્દ્ર સરકાર પર પણ સવાલ ઉઠાવ્યા કે 2023 માં ચૂંટણી પંચના સભ્યોની પસંદગીમાં મુખ્ય ન્યાયાધીશને બદલે કેન્દ્રીય મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનાથી કમિશનની નિષ્પક્ષતા પર અસર પડી છે.
બીજી તરફ, ભાજપે રાહુલ ગાંધીના આરોપોને ફગાવી દીધા અને તેને “શરમજનક” ગણાવ્યા. ભાજપના પ્રવક્તા તુહિન સિંહાએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે આ બાબતો ઘણી વખત સ્પષ્ટ કરી છે અને મતદારોની સંખ્યામાં વધારાને ચૂંટણી પંચના પ્રચાર અને યુવાનોની ભાગીદારી સાથે જોડ્યો છે.
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં મતદારોની સંખ્યામાં અચાનક વધારા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો, જ્યારે ચૂંટણી પંચે તેને નવા મતદારોના ઉમેરા અને યુવાનોના મતદાનમાં વધારા સાથે જોડ્યો હતો.