ગાંધી પરિવારના ખાસ ડો. સંજય સિંહે કોંગ્રેસ અને રાજ્યસભાના સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ બુધવારે ભાજપમાં જોડાવાના છે. સંજય સિંહ અમેઠીના રાજ પરિવારમાંના એક છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં સંજય સિંહ સુલ્તાનપુર સંસદીય બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા.
ડો. સંજય સિંહ આસામથી રાજ્યસભાના સભ્ય છે અને હજી પણ તેમનો એક વર્ષનો કાર્યકાળ બાકી હતો. તેમ છતા તેમણે રાજ્યસભા અને કોંગ્રેસમાંથી છેડો ફાડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે પોતાના રાજકીય કાર્યકાળની શરૂઆત કોંગ્રેસ પાર્ટીમાંથી જ કરી હતી.
સંજય સિંહે રાજીનામા બાદ કહ્યું કે, ‘હું કોંગ્રેસ છોડી રહ્યો છું કારણ કે કોંગ્રેસ નેતૃત્વનામાં મીંડુ છે. હું ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરું છું. કોંગ્રેસ હજી પણ ભૂતકાળમાં જીવી રહી છે. તેમના ભવિષ્યનો કોઈ ખ્યાલ નથી. આજે સમગ્ર દેશ વડાપ્રધાન મોદીની સાથે છે અને જ્યારે સમગ્ર દેશ તેમની સાથે છે તો હું પણ તેમની સાથે જ છું. હું કાલથી ભાજપ સાથે જોડાઈ રહ્યો છું. મેં મારી પાર્ટી અને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે.’