ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ હાલ ઠંડા કલેજે વર્કઆઉટ કરી રહી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ તથા પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રિ-એન્ટ્રી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ બાપુ દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવતા રિ-એન્ટ્રીનો મામલો ઘોંચમાં પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોંગ્રેસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ હાઈ કમાન્ડને બાપુની કોંગ્રેસ રિ-એન્ટ્રી માટે રાજી કરવાના પ્રયાસો શરુ કર્યા અને બાપુએ પણ પોતે કોંગ્રેસમાં પાછા ફરી શકે છે એવા સંકેત આપ્યા હતા પણ કોંગ્રેસમાં પરત ફરવાની સાથે બાપુએ સંગઠન તથા વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટોથી લઈ અનેક બાબતોએ કેટલીક શરતો મૂકી છે અને તેને લઈ કોંગ્રેસ ગોથા ખાઈ રહી છે.
કોંગ્રેસ સૂત્રોની વાત માનીએ તો કોંગ્રેસ હાઈ કમાન્ડ બાપુની તમામ શરતોને માનવા તૈયાર નથી અને આ બાજુ બાપુ પોતે પણ પોતાના વલણ પર મક્કમ હોવાનું મનાય છે. આ દરમિયાનમાં ભરતસિંહ સોલંકી બાપુ અને હાઈ કમાન્ડને રાજી કરવા માટે ભરચક પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસ હાઈ કમાન્ડને બાપુની કેટલીક શરતો માનવા અને બાપુને કેટલીક શરતો છોડવા માટે કોમન મિનીમમ પ્રોગ્રામ મૂકીને બાપુને કોંગ્રેસમાં લાવવા દોડી રહ્યા છે. ભરતસિંહ જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે બાપુ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા રહી ચૂક્યા છે.
હવે જોવાનું એ રહે છે કે ભરતસિંહના પ્રયાસો અને બાપુની શરતો વચ્ચે હાઈ કમાન્ડ કેવો રસ્તો કાઢે છે.