મહારાષ્ટ્રમાં સત્તાની સાંઠમારી ચરમસીમા પર પહોંચી ગઈ છે અને હવે સુપ્રીમ કોર્ટના બારણે ટકોરા દઈ રહી છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે બીજા સૌથી મોટા પક્ષ શિવસેનાને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ વધુ મુદત નહીં આપવાના નિર્ણયને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ભાજપ સાથે મુખ્યમંત્રી પદને લઈને મડાગાંઠ નહીં ઉકેલાતા ભાજપે સૌપ્રથમ સરકાર રચવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ રાજ્યપાલ કોશ્યારીએ બીજા સૌથી મોટા પક્ષ શિવસેનાને સરકાર રચવા આમંત્રણ પાઠવ્યું હતું.
જો કે શિવસેનાએ રાજ્યમાં સરકાર રચવા માટે થોડો સમય આપવાની ભલામણ રાજ્યપાલને કરી હતી જેને રાજ્યપાલે ઠુકરાવી દીધી હતી અને સોમવારે ત્રીજા સૌથી મોટા દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને સરકાર રચવા તેમજ બહુમત પુરવાર કરવા મંગળવાર રાત સુધીનો સમય આપ્યો હતો.