ગુજરાત જ નહીં પણ દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા શોહરાબુદ્દીન એનકાઉન્ટર મામલે ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નવી દિલ્હીમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કરી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો બચાવ કર્યો હતો. સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સને ગુજરાત એન્ટ્રી તરીકે પણ જોવામાં આવી રહી છે.
શોહરાબુદ્દીન એનકાઉન્ટર અંગે સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તે વખતની કોંગ્રેસ સરકારે અમિત શાહને ત્રાસ આપવામાં કશું બાકી રાખ્યું ન હતું. અમિત શાહ અને તેમના પરિવાર પર કોંગ્રેસ દ્વારા મોટા પાયા પર ત્રાસ ગુજારવામાં આવ્યું હતું. અમિત શાહને જેલમાં નાંખી દેવામાં આવ્યા હતા અને તેમના જામીન પણ થવા દેવામાં આવ્યા ન હતા. હવે જ્યારે કોર્ટ દ્વારા અમિત શાહને આરોપમૂક્ત કરી દેવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના લોકો તેમને તડીપાર કહે છે. અમિત શાહને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામા આવ્યા હતા અને એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
સ્મૃતિ ઈરાનીની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અમિત શાહ અને તેમના પરિવારજનોને કોંગ્રેસ દ્વારા ત્રાસ આપવાની વાત કરી છે ત્યારે એવું લાગે છે કે સ્મૃતિ ઈરાનીની ગુજરાતમાં એન્ટ્રી થઈ રહી છે. ગઈકાલે અમે લખ્યું હતું કે ભાજપ દ્વારા ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે સ્મૃતિ ઈરાનીના નામ અંગે પણ વિચારણા ચાલી રહી છે. ગજરાતમાં 21 ટકા મહિલા વોટર્સને રિઝવવા ભાજપ સ્મૃતિ ઈરાનીને ગુજરાત મોકલી શકે એવું મનાય રહ્યું છે.