લોકસભા ચૂંટણી-2019ની તૈયારીમાં સપા અને બસપા લાગી ગયા છે. માયાવતી અને અખિલેશ યાદવે સપા-બસપા જોડાણનું એલાન કર્યું અને કોંગ્રેસને ઢેંગો બતાવી દીધો. યુપીની કુલ 80 સીટમાંથી બસપા 38 અને સપા 38 સીટ પર ચૂંટણી લડશે.
કોંગ્રેસની પરંપરાગત સીટ અમેઠી અને રાયબરેલીમાંથી સપા-બસપા ગઠબંધન કોઈ ઉમેદવાર ઉભો રાખશે નહીં. પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કોંગ્રેસ પર આક્રમક રીતે પ્રહાર કર્યા હતા. જ્યારે અખિલેશે ભાજપ પર પ્રહાર કર્યા હતા. અખિલેશે કહ્યું કે માયાવતીનું અપમાન મારું અપમાન છે. માયાવતીએ કહ્યું કે ગેસ્ટ હાઉસકાંડને ભૂલાવીને અમે સાથે આવ્યા છે, કેમ કે દેશને ભાજપના હાથમાંથી બચાવી શકાય.
માયાવતીના વડાપ્રધાન બનવાના પ્રશ્ન પર અખિલેશે કહ્યું કે યુપીએ હંમેશા પીએમ આપ્યા છે. હું ઈચ્છીશ કે આ વખતે પણ પીએમ યુપીથી જ મળે. ભાજપના નેતાઓએ માયાવતી પર અશોભનીય ટીપ્પણીઓ કરી. ભાજપે આવા નેતાઓ વિરુદ્વ કોઈ કાર્યવાહી કરી નથી. માયાવતીનું સન્માન મારું સન્માન છે અને તેમનું અપમાન મારું અપમાન છે.
તેમણે કહ્યું કે ભાજપના અહંકારનો નાશ કરવા માટે એસપી-બીએસપીનું મિલન જરૂરી હતું. મેં કહ્યું હતું કે જો આ ગઠબંધન માટે બે પગલા પાછળ હટવાનો વારો આવશે તો પણ પાછા હટીને પણ ગઠબંધન કરીશું.
અખિલેશે કહ્યું કે ભાજપ અમારી વચ્ચે ગેરસમજ ઊભી કરી શકે છે. ભાજપ રમખાણો પણ કરાવી શકે છે, પરંતુ આપણે ધીરજ અને સંયમ સાથે કામ કરવું પડશે. હું માયાવતીના આ નિર્ણયનું સ્વાગત કરું છું. હું તમને ખાતરી આપું છું કે ભાજપનો અંત હવે ચોક્કસ છે.
માયાવતીએ કહ્યું કે આજે દેશમાં ભાજપના શાસનમાં અઘોષિત કટોકટી જોવા મળી રહી છે. આ વખતે ભાજપને 1977 માં કૉંગ્રેસને થયેલા નુકશાનની જેમ ભાજપને પણ મોટું નુકશાન થવાનું છે. કોંગ્રેસ સાથેના એસપી-બીએસપી અને કોંગ્રેસ સાથે હોત તો કોઈ ફાયદો મળી શકે એમ નથી. કોંગ્રેસ સાથે મળીને, અમારા મત વહેંચણી પર ખરાબ અસર પડે છે.
માયાવતીએ વધુમા કહ્યું કે બોફોર્સના કારણે કોંગ્રેસની સરકાર ગઈ હતી અને હવે રાફેલના કારણે ભાજપની સરકાર જશે. રાફેલ ભાજપને લઇને ડૂબી જશે. યુપીમાં ભાજપની અપ્રમાણિક સરકાર ચાલી રહી છે. જનવિરોધી લોકોને સત્તામાં આવવાથી અટકાવવામાં આવશે. ભાજપની અહંકારી સરકારથી લોકો પરેશાન છે. પેટાચૂંટણીઓમાં ગઠબંધન કરી ભાજપને હરાવ્યો હતો તેવી જ રીતે સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપને હરાવીશું.