અમેરિકાના જેમ જ હવે ભારતમાં પણ એક એવી પાર્ટી બની ગઈ છે જે માત્ર મહિલાઓ માટેની રાજકીય પાર્ટી હશે. આ પાર્ટી મહિલાઓનાં અધિકારો માટે કાર્ય કરશે. દિલ્હીમાં મળેલી સભામાં આ પાર્ટીનું નામ નેશનલ વુમન્સ પાર્ટી રાખવામાં આવ્યું છે.
અમેરિકામાં એક દાયકા જૂની નેશનલ વુમન્સ પાર્ટીથી પ્રેરિત થઈને 36 વર્ષીય ડોક્ટર અને સામાજિક કાર્યકરે સંસદમાં મહિલા અનામત અને ઓફીસોમાં મહિલાઓની જાતીય સતામણીનાં હેતુથી દિલ્હીથી પાર્ટીની શરૂઆત કરી છે.
નવરચિત નેશનલ વુમન્સ પાર્ટી(NWP)નું નેતૃત્વ શ્વેતા શેટ્ટી કરશે. તેમણે કહ્યું કે 2012માં આ પાર્ટી બનાવવાની તૈયારી કરવામાં આવી રહી હતી. NWPનો હેતુ સમાજમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવા અને મહિલાઓને નહીં મળતા વિશેષાધિકારને હાંસલ કરવાનો છે. ઘર અને ઓફીસમાં ત્રાસનો શિકાર બનતી મહિલાઓ માટે લડત આપવા પાર્ટીની રચના કરવામાં આવી છે.
NWPના ચેરપર્સન શ્વેતા શેટ્ટીએ કહ્યું કે NWP આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ 272 સીટ પર ચૂંટણી લડવાની છે અને તમામ સીટ પર મહિલા ઉમેદવારનો ઉભા રાખવામાં આવશે. મહિલાઓ માટે 50 ટકા અનામત આપવાની પણ માંગ કરવામાં આવી રહી છે અને આના માટે આંદોલન કરવામાં આવશે. 2018માં મહિલાઓ વિરુદ્વના ગુનાઓમાં વધારો નોંધાયો છે. કાયદાઓમાં સુધાર લાવવા માટે પણ સરકારને રજૂઆત કરવામાં આવશે. પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓની પાર્ટીને સફળ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.