કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં કુમારસ્વામીના નેતૃત્વવાળી સરકારને મોટો ફટકો પડ્યો છે. બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લેતા કોંગ્રેસ-જનતાદળ-એસની યુતિ સરકાર સામે ખતરો તોળાઈ રહ્યો છે.
અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લેવાની જાહેરાત કરતાં સરકારની સ્થિતિ ડામાડોળ થઈ રહી હોવાના ભણકારા વાગી રહ્યા છે. જે ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચી લીધો છે તેમના નામ એચ.નાગેશ અને આર.શંકર છે.
બીજી તરફ અપક્ષ ધારાસભ્યોના સમર્થન પાછા ખેંચી લેવાના એલાનને પગલે કર્ણાટકના ડે.સીએમ સી.પરમેશ્વરાએ ભાજપન પર નિશાન તાકીને કહ્યું કે ભાજપ કર્ણાટકમા રાજકીય અસ્થિરતા જન્માવી રહ્યું છે. જોકે, તેમણે કહ્યું કે કોંગ્રેસ-જેડીએસ સરકાર સ્થિર છે અને સરકાર પર કોઈ જોખમ નથી.
કર્ણાટક સરકારને ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય આર.શંકરે કહ્યું કે આજે મકરસંક્રાંતિ છે અને અમે સરકારમાં પરિવર્તન ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું કે સરકાર સારી અને ગુણવત્તાવાળી હોવી જોઈએ.
જ્યારે અપક્ષ ધારાસભ્ય એચ. નાગેશે ભાજપ સાથે જવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે કર્ણાટક સરકારને આપેલો ટેકો એટલા માટે પાછો ખેંચ્યો છે કે રાજ્યમાં સ્થિર અને સારી સરકાર બને. હાલની સરકાર અનેક મુદ્દાઓ પર નિષ્ફળ રહી છે. આ સરકારમાં ગઠબંધનના સહયોગીઓ સાથે કોઈ તાલમેલ નથી. આ કારણોસર કુમારસ્વામીની સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો છે.
આ અંગે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી સી.પરમેશ્વરાએ જણાવ્યું કે બે અપક્ષ ધારાસભ્યે સરકારને આપેલું સમર્થન પાછું લઈ લીધું છે. ભાજપ અમારા ધારાસભ્યોને રૂપિયા અને પાવરના જોરે પ્રલોભનો આપી રહ્યું છે. પરંતુ સરકારને અસ્થિર કરવાના ભાજપના પ્રયાસો નિષ્ફળ જવાના છે.
કર્ણાટકમાં રાજકીય દ્વંદ્વ યુદ્વનો મામલો દિલ્હી પહોંચી ગયો છે. ભાજપના 100 ધારાસભ્યોને દિલ્હી પાસે ગુરગાંવના રિસોર્ટમાં મોકલી આપવામાં આવ્યા છે. ભાજપે પણ આરોપ મૂક્યો છે કે જેડીએસ ભાજપના ધારાસભ્યોને તોડવાના પ્રયાસો કરી રહી છે.
આ પૂર્વે કર્ણાટક કોંગ્રેસના નેતા અને કર્ણાટક સરકારના મંત્રી ડી.શિવકુમારે ક્હયું કે કોંગ્રેસના તમામ ધારાસભ્યો કોંગ્રેસની સાથે જ છે. ભાજપ મહાગઠબંઘનના નામે દેશભરમાં હાઈપ બનાવવાની કોશીશ કરી રહ્યું છે.
બીજી તરફ કોંગ્રેસના ચારથી પાંચ ધારાસભ્ય મુંબઈમાં હોવાનું કોંગ્રેસના નેતા ઝમીર અહેમદે જણાવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ શાંત બેસી રહેશે નહીં. ભાજપના પણ કેટલાક ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.