કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી હનુમંત રાવે સોમવારે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે, સંઘ નેતાએ દેશના 130 લોકોને હિંદુ કહીને લોકોની ભાવનાઓને દુભાવી છે.
ભાગવતે 25 ડિસેમ્બરે એક જનસભામાં જણાવ્યુ હતુ કે, ધર્મ અને સંસ્કૃતિ ઉપર ધ્યાન આપ્યા વગર, જે લોકો રાષ્ટ્રવાદી ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ તથા તેની વિરાસતનું સમ્માન કરે છે, તેઓ હિંદુ છે અને RSS દેશના 130 કરોડ લોકોને હિંદુ માને છે.
રાજ્યસભાના પૂર્વ સભ્ય રાવે પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ભાગવતના નિવેદનથી માત્ર મુસ્લિમો, ઈસાઈયો, શીખો, પારસીઓ વગેરેની ભાવના અને આસ્થાઓ નથી દુભાવી, પરંતુ તેમનું નિવેદન ભારતીય બંધારણના મૂળ ભાવના વિરુદ્ધ પણ છે.
તેમણે જણાવ્યુ કે, તેનાથી જનતા વચ્ચે સાંપ્રદાયિક તણાવ વધશે અને તેનાથી હૈદરાબાદમાં કાયદા તથા વ્યવસ્થાની સમસ્યા પણ ઉત્પન્ન થઈ શકે છે.
એલબી નગર પોલીસ સ્ટેશનના નિરિક્ષક અશોક રેડ્ડીએ જણાવ્યુ કે, તેમને કોંગ્રેસ નેતા પાસેથી એક ફરિયાદ મળી હતી અને તેના સંબંધમાં કાયદાકીય મુદ્દાઓ પર વાત થઈ રહી છે કે, તેમાં કોઈ મામલો બને છે કે નહીં.