ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સહિયારી ગાડી ચાલી રહી છે. વિપક્ષ તરીકે અત્યાર સુધી કોંગ્રેસ પાસે જે અપેક્ષા હતી તે પરિપૂર્ણ થઈ હોવાનું જણાતું નથી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર સામે શરૂઆતમાં શૂરા તરીકે અનેક વિરોધ પ્રદર્શન શરૂ તો કર્યા પરંતુ લોકસમર્થન વિનાના આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ પૂરતા જ મર્યાદિત રહી ગયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારમાં મગફળી કૌભાંડ અને ત્યાર બાદ લોકરક્ષક દળની ભરતીનું પેપર લીક કાંડ સર્જાયું પરંતુ કોંગ્રેસનું વિપક્ષ તરીકેનું વર્તન શંકાના દાયરામાં આવી ગયું છે. હાલ ગુજરાત સરકારમાં સ્થિતિ એ છે કે ભાજપના ધારાસભ્યો કરતાં કોંગ્રેસના તોફાની ધારાસભ્યોને વધુ સાચવી લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પાતળી બહુમતિ સાથે સરકારમાં આવ્યા બાદ વિજય રૂપાણી માટે મોટી ચેલેન્જ પોતાના ધારાસભ્યોને સાચવી લેવાની હતી પંરતુ વિજય રૂપાણી પોતે ધારાસભ્યોને સાચવી રહ્યા કરતાં એવું કહી શકાય કે હજુ પણ ભાજપના ધારાસભ્યો જાહેરમાં બોલાવાનું ટાળી રહ્યા છે અને અંદરખાને તો ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે.
પરેશ ધાનાણીએ વિપક્ષી નેતા તરીકે હજુ સુધી એકેેય એવો પ્રોગ્રામ આપ્યો નથી કે જેમાં સરકારને ઝૂકવું પડ્યું હોય અને કૌભાંડ કરનારા મોટા મગરમચ્છો સામે કાર્યવાહી થઈ હોય. કરવા ખાતર વિરોધ કરવો એ અલગ બાબત છે અને પરિણામલક્ષી વિરોધ કરી પ્રજાહિતમાં નિર્ણય કરાવવો તે સાવ જ અલગ બાબત છે. ધાનાણીનું આ સૌથી મોટી નિષ્ફળતા છે.
વારેછાશવારે કોંગ્રેસના નેતાઓ વિજય રૂપાણીનું રાજીનામું માંગ્યા કરે. નાની વાત હોય કે મોટી વાત હોય કોંગ્રેસના નેતાઓ જોરશોરથી મીડિયા સમક્ષ આવીને વિજય રૂપાણી રાજીનામું આપેના દે ઠોક નિવેદનો ફટકારે છે તો આ વાતને પણસમજવા જેવી છે. ભાજપમાં હાલ નેતૃત્વ પરિવર્તનને લઈ મોટી મોકાણ સર્જાણી છે. વિજય રૂપાણીને બદલી નાંખવાની ચર્ચાઓ સતત ચાલી રહી છે તેવામાં કોંગ્રેસના નેતાઓ વિજય રૂપાણીનું રાજીનામું માંગ્યા કરે તો ભાજપમાં એ વાત વિજય રૂપાણી માટે પ્લસ પોઈન્ટ બની જાય છે. ભાજપ હાઈકમાન્ડને કહેવાનું થઈ જાય કે કોંગ્રેસના કહેવાથી સીએમનું રાજીનામું થોડી જ લઈ લેવાય. જો લેવાય તો કોંગ્રેસના નેતાઓને ફાવતું મળી જાય કે અમે કહેતા જ હતા કે સીએમ ચાલી શકે નહીં.
કોંગ્રેસના નેતાઓ પાસે રાજીનામા લક્ષી નિવેદન કરવવાની રાજનીતિ પાછળ જાણકારોને ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઈલુ-ઈલુની શંકા થઈ રહી છે. જો આ વાત સાચી હોય તો કોંગ્રેસના નેતાઓએ સરકારની નિષ્ફળતાનો ઢંઢેરો પિટવાનો અધિકાર રહેતો નથી. કોંગ્રેસે અસરકારક વિપક્ષ તરીકે ભજવવાની ભૂમિકાને અભરાઈએ ચઢાવી દીધી છે અને ફાઈલો પાસ કરવાના ખેલને જ અગ્રીમતા આપી દીધી હોવાનો ઘટસ્ફોટ કોંગ્રેસના અન્ય નેતાઓ કહી રહ્યા છે.
હાલમાં કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવડીયાના નિવાસે જે મીટીંગ મળી હતી તેને ઠારવા માટે અહેમદ પટેલ આવ્યા જરૂર પણ અહેમદ પટેલે કોંગ્રેસની વિપક્ષ તરીકેની ભૂમિકા અંગે સંપૂર્ણપણે મૌન સેવ્યું છે. વિપક્ષ તરીકે અત્યાર સુધી કોંગ્રેસે કઈ બાબતમાં પરિણામલક્ષી આંદોલનો કર્યા તે ધાનાણી સમજાવી શકે તો સારું. બાકી સરકાર સામે બાંયો ચઢાવી રાજીનામા માંગ-માંગ કરતા રહેવાની કોંગ્રેસની ટેવને લોકો સારી રીતે જાણી ગયા છે અને ભાજપ હાઈકમાન્ડ પણ આ વાત તરફ ગંભીરતાથી ધ્યા આપી રહ્યું છે. જેટલી ઝડપથી કોંગ્રેસના ધારાસભ્યોના કામ થાય છે તેટલી ઝડપથી ભાજપના ધારાસભ્યોના કામ થતા ન હોવાની ફરીયાદો આમને આમ ઉઠી રહી નથી. દાખલા સામે છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ બલવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળીયા, નરહરી અમીન અને છેલ્લે મહેસાણાના પૂર્વ કોંગ્રેસના નેતા જીવા પટેલને રાતોરાત શિરપાવ આપવાની ઘટનાઓ ભાજપના પાયાના કાર્યકરો માટે અકળવાનારી બની રહે તેમ છે.