ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ ધમધોકાર પ્રચાર અને સંગઠનનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. ભાજપ દ્વારા જન આશિર્વાદ યાત્રા શરુ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી અંગે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું મહત્વનું નિવેદન બહાર આવ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓએ ચૂંટણી લડવા માટે ટીકીટ નહીં આપવાનો નિર્ણય માત્ર નગરપાલિકા-મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પૂરતો જ મર્યાદિત હતો અને આ સિદ્ધાંત ધારાસભ્યોને લાગુ પડતો નથી.
મીડિયા અહેવાલો મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને એવી ચર્ચા શરૃ થઈ હતી કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને શું ટીકીટ નહીં મળે? તે પછી જો પાટીલે આજે આ પ્રતિક્રિયા આપી હોય તો તે ઘણી મહત્ત્વપૂર્ણ છે.
અત્રે નોધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ ઉંમરના ઉમેદવારો અને જેઓ બેથી ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂક્યા હતા તેવા તમામની ટીકીટ કાપી નાંખવામાં આવી હતી અને સંપૂર્ણપણ નવા ચહેરાઓ પર પસંદગી કરવામાં આવી હતી.