લોકસભાની ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ જવા પામ્યું છે ત્યારે ગુજરાત ભાજપમાંથી કોને-કોને ટીકીટ મળશે તે માટેની મથામણ ચાલી રહી છે. હાલ ભાજપમાં થતી ચર્ચા પ્રમાણે ગુજરાતમાં દસ સાંસદોને સેફ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે જ્યારે પંદર કરતાં પણ વધુ સાંસદોની ટીકીટ કપાઈ જવાની શક્યતા નકારી શકાતી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા કરાવેલા સરવેના કારણે ભાજપના સાંસદોમાં ખળભળાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. નમો એપ મારફત આવેલા સરવેના કારણે સાંસદોની કામગીરી અને તેમના સંસદીય વિસ્તારમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હોમપીચ હોવાથી ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ ચીવટાઈ રાખી રહ્યું છે. 2104માં તમામ 26 બેઠક પર ભાજપનો વિજય થયો હતો.
કોણ થશે રિપીટ?
ફિલ્મ અભિનેતામાંથી રાજકારણી બનેલા પરેશ રાવલ માટે અમદાવાદ-પૂર્વની ટીકીટ સલામત છે અને તેમને રિપીટ કરી શકાય છે. ભરૂચના મનસુખ વસાવા, દાહોદના જશવંત ભાંભોર, જામનગરના પુનમ માડમ, ખેડાના દેવુસિંહ ચૌહાણ, નવસારીના સી.આર.પાટીલ, રાજકોટના મોહન કુંડારિયા, વલસાડના કે.સી.પટેલને પાર્ટી ફરીથી ટીકીટ આપી શકે છે. નવસારીના સાંસદ સી.આર.પાટીલની કામગીરીની ખુદ વડાપ્રધાન મોદી દ્વારા પ્રશંસા કરવામાં આવી છે તે જોતાં તેમની ટીકીટ ફાઈનલ માનવામાં આવી રહી છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દિવ-દમણમાંથી હાલના સાંસદોને રિપીટ કરવાનું એલાન અમિત શાહે કરી દીધું છે.
કોનું પત્તું કપાશે?
ભાજપમાં જે સાંસદો પર લટકતી તલવાર છે તેમાં અમદાવાદ પશ્ચિમના ડો. કિરીટ સોલંકી, અમરેલીના નારણ કાછડિયા, આણંદના દિલીપ પટેલ, બારડોલીના પ્રભુ વસાવા, બનાસકાંઠાના હરિભાઇ ચૌધરી, ભાવનગરના ભારતીબેન શિયાલ, છોટાઉદેપુરના રામસિંહ રાઠવા, ગાંધીનગરના લાલકૃષ્ણ અડવાણી, જૂનાગઢના રાજેશ ચુડાસમા, કચ્છના વિનોદ ચાવડા, મહેસાણાના જયશ્રીબેન પટેલ, પંચમહાલના પ્રભાતસિંહ ચૌહાણ, પાટણના લીલાધર વાઘેલા, પોરબંદરના વિઠ્ઠલ રાદડિયા, સુરતના દર્શના જરદોષ, સુરેન્દ્રનગરના દેવજી ફતેપરા અને વડોદરાના રંજનબેન ભટ્ટને પાર્ટી ફરીથી ટીકીટ આપવા મામલે પાર્ટીમાં અવઢવ છે. આ બેઠક પરથી 2014માં નરેન્દ્ર મોદી ચૂંટાઇ આવ્યા હતા, તેમણે રાજીનામું આપી દેતાં વડોદરાની બેઠક પરથી રંજનબેન ભટ્ટ ચૂંટાઈ આવ્યા હતા.
ભાજપમાં હાલના તબક્કે પંદર કરતા પણ વધુ સાંસદોના જીવ તાળવે ચોંટેલા છે. તેમને ટીકીટ આપવામાં આવશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ હોવાના કારણે આ વખતે અન્યોને ટીકીટ મળવાની સંભાવના જોવા મળી રહી છે. ખાસ કરીને કોંગ્રેસમાં તોડફોડની શક્યતાને જોતાં ભાજપના વર્તમાન સાંસદોમાંથી કેટલાકને ઘરે બેસવાનો વારો આવી શકે તેમ છે.