શું દિલ્હીમાં સત્તારૂઠ આમ આદમી પાર્ટી 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે જોડાણ કરશે? પાછલા કેટલાક સમયથી આ ચર્ચા સતત ચાલી રહી છે. કારણ કે માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો વોટ શેરીંગ એક જ છે. આવામાં પીએમ મોદી અને ભાજપને હરાવવા માટે બન્નેની સાથે આવવાની સંભાવના નકારી શકાતી નથી.જો બન્ને સાથે નહીં આવે તો નુકશાન થવાની શક્યતા રહેલી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને કોંગ્રેસ સાથે જોડાણ અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે સીધી રીતે કહ્યું કે હું પોતે એવું માનું છું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી દેશ માટે બહુ જ ખતરનાક છે. દેશના વર્તમાન અને ભવિષ્ય માટે ભયવાહ છે. જો 2019માં આ લોકો બીજી વખત આવશે તો દેશના બંધારણને પણ છોડશે નહીં. બંધારણ બચી શકશે નહીં. બંધારણ બદલી નાંખશે. દરેક દેશભક્તની જવાબદારી છે કે કોઈ પણ રીતે આ બન્નેની જોડીને હરાવી દેવામાં આવે. બન્ને પરાસ્ત કરવા માટે જે કંઈ પણ પગલાં ભરવાના હશે તે અમે ભરીશું.
અરવિંદ કેજરીવાલના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી હવે કોંગ્રેસ સાથે જોડાણ કરવા માટે તૈયાર છે. જ્યારે ચાર મહિનાનાં પહેલાં હરિયાણાના રોહતકમાં તેમને આ સવાલ પૂછાયો હતો તો ત્યારે તેમણે સાફ ઈન્કાર કરી દીધો હતો. તે વખતે તેમણે કહ્યું હતું કે મારી રાજનીતિ જનતાની રાજનીતિ છે. જનતાનાં વિકાસની રાજનીતિ છે. જનતાના હિતોની રાજનીતિ છે. કોઈની પણ સાથે જોડાણ કરવાની અમારી રાજનીતિ નથી.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ચીફ કેજરીવાલના ચાર મહિના પહેલાં અને આજના નિવેદનનું તારણ કાઢીએ તો હવે કેજરીવાલને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં વાંધો હોય એવું લાગતું નથી. બન્ને વચ્ચે જે ખટરાગ અને કડવાશ હતી તે દુર થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. 30 નવેમ્બરે દિલ્હીના સંસદ માર્ગ પર ખેડુત આંદોલન દરમિયાન કેજરીવાલ અને રાહુલ ગાંધી એક જ મંચ પર જોવા મળ્યા હતા. સોમવારે વિપક્ષ દળોની થયેલી મીટીંગમાં પણ કેજરીવાલે પ્રથમ વખત હાજરી આપી હતી.
આ ઉપરાંત સોમવારે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓ શપથ લઈ રહ્યા છે ત્યારે કેજરીવાલને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે. હવે જોવાનું એ છે કે શું કેજરીવાલ શપથ ગ્રહણ સમારંભમાં જશે? બીજું એ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન કેવું હશે તે અંગે હજુ સસ્પેન્સ છે ક્યા રાજ્યોમાં ગઠબંધન થશે, આ બધા પ્રશ્નોનો હાલ કોઈ જવાબ નથી.