આચાર સંહિતાનો ભંગ કરવાના મામલામાં ચૂંટણી પંચે આખરે લાલ આંખ કરી છે. પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન પાર્ટીના પ્રમુખ માયાવતીના પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. યોગી આદિત્યનાથ પર 72 અને માયાવતી પર 48 કલાક સુધી પ્રચાર નહીં કરાવનો પ્રતિબંધ લગાવ્યો છે.
આ પ્રતિબંધ દરમિયાન યોગી આદિત્યનાથ અને માયાવતી ના તો કોઈ રેલી કે સભાને સંબોધી શકશે કે ના તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે. આ સિવાય તેઓ કોઈ ઈન્ટરવ્યૂ પણ નહીં આપી શકે. ચૂંટણી પંચનો આ પ્રતિબંધ 16મી એપ્રિલે સવારે છ વાગ્યાથી શરૂ થશે. ચૂંટણી પંચના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે યોગી આદિત્યનાથ 16, 17 અને 18 એપ્રિલે કોઈ પ્રચાર નહીં કરી શકે. તેમજ માયાવતી 16, 17 એપ્રિલે કોઈ ચૂંટણી પ્રચાર નહીં કરી શકે.
બસપા પ્રમુખ માયાવતીએ ઉત્તરપ્રદેશના દેવબંધમાં ચૂંટણી સભા દરમિયાન મુસ્લિમ સમાજના મતદાતાઓ પાસેથી પોતાને મત આપવા માટેની અપીલ કરી હતી. માયાવતીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મુસ્લિમ સમાજના લોકો પોતાના મત કોઈ બીજાને નહીં પણ મહાગઠબંધનને જ આપે. માયાવતીના આ નિવેદને ધર્મના નામ પર મત માંગવાના નિયમનો ભંગ કર્યો છે.
યોગી આદિત્યનાથે પોતાના એક સંબોધનમાં માયાવતી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જો વિપક્ષીઓને અલી પસંદ છે, તો અમને બજરંગ બલી પસંદ છે. બંને નેતાઓના આ વિવાદાસ્પદ નિવેદન બાદ ચૂંટણી પંચે આ પ્રતિબંધ ફટકાર્યો છે.