યુદ્ધનું નવું મેદાન: આફ્રિકાના બે પાડોશી દેશો વચ્ચે ભીષણ જંગના એંધાણ, સરહદ પર સૈનિકોનો ખડકલો
દુનિયામાં ચાલી રહેલા વિવિધ સંઘર્ષો વચ્ચે હવે આફ્રિકા ખંડમાં એક નવો યુદ્ધનો મોરચો ખુલવા જઈ રહ્યો છે. પાડોશી દેશો ઇથોપિયા અને ઇરિટ્રિયા વચ્ચે સરહદ પર ભારે તણાવ સર્જાયો છે. ઇથોપિયાએ ઇરિટ્રિયા સાથેની તેની પશ્ચિમ સરહદ પર સૈનિકોની સંખ્યામાં ધરખમ વધારો કર્યો છે, જેનાથી આ વિસ્તારમાં ગમે ત્યારે મોટા યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ઇથોપિયાનો આરોપ છે કે ઇરિટ્રિયા તેના દેશના બળવાખોરોને હથિયારો પૂરા પાડીને અસ્થિરતા ફેલાવી રહ્યું છે, જેનો હવે જડબાતોડ જવાબ આપવો જરૂરી બન્યો છે.
બળવાખોરો અને હથિયારોનો વિવાદ
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, ઇથોપિયાની સેના તિગ્ને બળવાખોરો સામે મોટી કાર્યવાહી કરવાના બહાને સરહદ પર એકઠી થઈ રહી છે. ઇથોપિયાનું કહેવું છે કે આ બળવાખોરોને ઇરિટ્રિયાની સેના તરફથી સતત મદદ અને શસ્ત્રો મળી રહ્યા છે, જેના કારણે ઇથોપિયામાં હિંસા અટકવાનું નામ નથી લેતી. પશ્ચિમી દેશોના રાજદ્વારીઓ પણ આ ગતિવિધિઓને લઈને ચિંતિત છે. એક પશ્ચિમી રાજદ્વારીએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે, બંને પક્ષોએ મોરચો સંભાળી લીધો છે અને ગમે ત્યારે ગોળીબાર શરૂ થઈ શકે છે.
ગૃહયુદ્ધમાં 6 લાખ લોકોના જીવ ગયા હતા
ઇથોપિયામાં ૨૦૨૦ થી ૨૦૨૨ વચ્ચે ઇરિટ્રિયા સમર્થિત તિગ્ને સેનાએ ભારે રક્તપાત મચાવ્યો હતો. આ આંતરિક સંઘર્ષમાં અંદાજે ૬ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારપછી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ સાબિત થઈ. હવે ઇથોપિયાની સેના સીધી ઇરિટ્રિયાને પાઠ ભણાવવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.
ઇતિહાસનું પુનરાવર્તન: 1998નું ભયાનક યુદ્ધ
ઇરિટ્રિયા વર્ષ ૧૯૯૩માં ઇથોપિયાથી અલગ થઈને એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. જોકે, અલગ થયાના પાંચ જ વર્ષમાં ૧૯૯૮માં બંને દેશો વચ્ચે સરહદ વિવાદને લઈને ભીષણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધ બે વર્ષ સુધી ચાલ્યું અને તેમાં બંને પક્ષે મળીને અંદાજે ૧ લાખ લોકો માર્યા ગયા હતા. ઇતિહાસના આ કડવા અનુભવો વચ્ચે ફરી એકવાર બંને દેશો સામસામે આવી ગયા છે.
ભૌગોલિક અને ધાર્મિક સ્થિતિ
નોંધનીય છે કે ઇથોપિયા અને ઇરિટ્રિયા બંને ખ્રિસ્તી બહુમતી ધરાવતા દેશો છે, જ્યાં મુસ્લિમ સમુદાય લઘુમતીમાં છે. વર્ષ ૧૯૯૩માં વિભાજન બાદથી જ બંને દેશો વચ્ચે સંબંધો ક્યારેય સામાન્ય રહ્યા નથી. ઇથોપિયાને ભય છે કે જો તે અત્યારે આ બળવાખોરો અનેઇરિટ્રિયાના પ્રભાવને નહીં રોકે, તો આવનારા સમયમાં તેની અખંડિતતા જોખમમાં મુકાઈ શકે છે.

