PSL 2026: પાકિસ્તાન ક્રિકેટની ફજેતી, હૈદરાબાદની જર્સીનો રંગ ઉતરતા સફેદ બોલ ‘પિંક’ થઈ ગયો!
પાકિસ્તાન સુપર લીગ (PSL) ની 11મી સીઝનનો પ્રારંભ વિવાદો અને સોશિયલ મીડિયા પર મજાક સાથે થયો છે. 26 માર્ચથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ લાહોર કલંદર્સ અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં એક એવી ઘટના બની જેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની તૈયારીઓ અને કિટની ગુણવત્તા પર સવાલો ઉભા કરી દીધા છે. સામાન્ય રીતે T20 મેચ સફેદ બોલથી રમાય છે, પરંતુ આ મેચ દરમિયાન બોલનો રંગ બદલાઈને ગુલાબી થઈ ગયો હતો.
જર્સીનો ખરાબ રંગ બોલ પર ચઢ્યો
મેચ દરમિયાન જ્યારે હૈદરાબાદની ટીમ બોલિંગ કરી રહી હતી, ત્યારે અચાનક સફેદ બોલનો રંગ બદલાવા લાગ્યો હતો. હૈદરાબાદના બોલરોએ આ બાબતે અમ્પાયરને ફરિયાદ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે હૈદરાબાદ કિંગ્સમેનના ખેલાડીઓએ જે જર્સી પહેરી હતી, તેની ક્વોલિટી એટલી હલકી હતી કે ખેલાડીઓ જ્યારે બોલને ચમકાવવા માટે જર્સી પર ઘસતા હતા, ત્યારે જર્સીનો લાલ/ગુલાબી રંગ બોલ પર લાગી જતો હતો. આ ઘટનાને કારણે મેદાન પર હાજર ખેલાડીઓ અને પ્રેક્ષકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
કેપ્ટન માર્નસ લાબુશેન પણ ચોંકી ગયા
હૈદરાબાદ કિંગ્સમેનના કેપ્ટન માર્નસ લાબુશેને મેચ બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “બીજી ઓવર પછી જ મેં અમ્પાયરોને પૂછ્યું હતું કે આ શું થઈ રહ્યું છે? બોલ લાલ થઈ રહ્યો હતો, જે કદાચ કપડાના રંગને કારણે હતું. મેં મારા ક્રિકેટ કરિયરમાં આવું પહેલા ક્યારેય જોયું નથી. હું આશા રાખું છું કે આગામી મેચ સુધીમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.” આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર PSL ની ગુણવત્તાને લઈને ભારે ટ્રોલિંગ થઈ રહ્યું છે.
NEXT LEVEL DRAMA IN PSL 😂
During the opening match of PSL 2026, the ball turned into pink because Hyderabad Kingsmen players rubbed it on their kit 😭
After seeing this Babar Azam practice hard for another pink ball test hundred 🥶pic.twitter.com/jSGUK0aW3H
— Cricket Central (@CricketCentrl) March 26, 2026
મેચનું પરિણામ: લાહોર કલંદર્સની ભવ્ય જીત
મેદાન પરના આ ડ્રામા વચ્ચે રમતની વાત કરીએ તો, શાહીન શાહ આફ્રિદીની આગેવાની હેઠળની લાહોર કલંદર્સ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. લાહોરે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેમાં ફખર ઝમાને આક્રમક અડધી સદી ફટકારી હતી.
જવાબમાં 200 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદ કિંગ્સમેનની ટીમ માત્ર 130 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આમ, લાહોર કલંદર્સે આ મેચ 69 રનના મોટા અંતરથી જીતી લીધી હતી. ભલે લાહોરે મેચ જીતી લીધી હોય, પરંતુ ચર્ચાનો વિષય તો પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી ફજેતી અને પેલી ‘પિંક બોલ’ વાળી ઘટના જ રહી છે.
