તમારા માતા-પિતાના સ્વપ્નને સાકાર કરો: મંત્રી પ્રફુલ પાનસેરીયાએ વિદ્યાર્થીઓને દુઃખ ન પહોંચાડવાની કરી તાકીદ
વિસનગરની નૂતન મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ગંભીર ઘટનાને લઈ રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કડક કાર્યવાહી અંગે નિવેદન આપ્યું છે. કોલેજની ફરિયાદ બાદ તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને દોષી વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સાત વિદ્યાર્થીઓ બે વર્ષ માટે સસ્પેન્ડ – અનેક વિદ્યાર્થીઓ પર શિસ્તભંગની કાર્યવાહી
તપાસમાં બહાર આવ્યું કે ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ તથા બીજા વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને માનસિક હેરાનગતિ કરી હતી. આ ગંભીર વર્તન સામે કડક નિર્ધારણ સાથે
ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ,
જ્યારે બીજા વર્ષના વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
CCTV ફૂટેજના આધારે ઝડપી કાર્યવાહી
હોસ્ટેલ ડીનની ફરિયાદ બાદ તાત્કાલિક સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતાં. જેમાં સ્પષ્ટ થયું કે વિદ્યાર્થીઓએ અસામાજિક અને અનૈતિક વર્તન કર્યું હતું. તેની ગંભીરતા સમજતા તાકીદે પગલાં લેવામાં આવ્યા.
“માતા-પિતાના સ્વપ્નો સાકાર કરવા આવ્યા છો, હેરાનગતિ ન કરો” – મંત્રી પાનસેરીયા
પ્રફુલ પાનસેરીયાએ કડક શબ્દોમાં જણાવ્યું કે –
“વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા અને પોતાના માતા-પિતાના સ્વપ્નો સાકાર કરવા આવે છે. તેમને હેરાન કરવું કે માનસિક ત્રાસ આપવો સંપૂર્ણ રીતે અયોગ્ય છે. તમે ભવિષ્યમાં એક સન્માનિત ડોક્ટર બનવાના છો, તો માનવતા તમારામાં હોવી આવશ્યક છે.”
રાજ્ય સરકારનો ચેતાવણીભર્યો સંદેશ : “નાની ફરિયાદ પણ બાકી નહીં રાખી શકાય”
મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે સ્પષ્ટ સૂચના આપી છે –
“ભાવિમાં કોઈ પણ મેડિકલ કોલેજમાં આવી ઘટના સામે આવશે તો રાજ્ય સરકાર તાત્કાલિક કડક પગલાં લેશે. આ પ્રકારની હરકત તમારા ભવિષ્ય અને કારકિર્દી બંનેને નુકસાન પહોંચાડે છે.”
રેગિંગના ઘાતક પરિણામો : યુવાનોની સંવેદનશીલ ઉંમર
મંત્રીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે 18 થી 20 વર્ષના કુમણા યુવાનોમાં ભાવનાત્મક સહનશક્તિ ઓછી હોય છે. ઘણીવાર આ પ્રકારની હેરાનગતિ વિદ્યાર્થીને આત્મહત્યાજેવા પગલાં ભરવા મજબૂર કરી શકે છે.
તે માટે દરેક વિદ્યાર્થીએ સાવચેત રહેવું અને બીજા સહપાઠીઓને કોઈપણ પ્રકારનો ત્રાસ ન પહોંચાડવો જોઈએ
