ટેરિફ પર અમેરિકી કોર્ટનો ચુકાદો: રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર, કહ્યું- “વડાપ્રધાન ફરીથી સરેન્ડર કરશે”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ત્યાંની સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર જાહેર કર્યા હોવા છતાં, ટ્રમ્પે વિશ્વભરના દેશો પર 10% ગ્લોબલ ટેરિફ લગાવવાની નવી જાહેરાત કરી છે. આ મુદ્દે હવે ભારતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે ભારતની જનતા સાથે દગો કર્યો છે.
રાહુલ ગાંધીનો સોશિયલ મીડિયા પર હુમલો
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું કે, “પીએમ મોદીએ સમજૂતી કરી લીધી છે અને તેમનો દગો હવે સામે આવી ગયો છે. તેઓ ફરીથી વાટાઘાટો કરી શકતા નથી અને તેઓ ફરી એકવાર અમેરિકા સામે સરેન્ડર કરી દેશે.” કોંગ્રેસ લાંબા સમયથી આરોપ લગાવી રહી છે કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં પીએમ મોદીએ દેશના હિતોનું ધ્યાન રાખ્યું નથી.
સુપ્રીમ કોર્ટના આદેશના ૩ કલાકમાં ટ્રમ્પનું નવું એલાન
શુક્રવારે (20 ફેબ્રુઆરી) અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કરતા સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રપતિને આ રીતે મનસ્વી ટેરિફ લાદવાનો કોઈ અધિકાર નથી. જોકે, આ આદેશના માત્ર ત્રણ કલાકની અંદર જ ડોનાલ્ડ ટ્રમ્પે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે જાહેરાત કરી કે તેઓ એક નવા આદેશ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે, જેના હેઠળ સમગ્ર વિશ્વ પર 10% ગ્લોબલ ટેરિફ લાદવામાં આવશે.
The PM is compromised.
His betrayal now stands exposed.
He can’t renegotiate.
He will surrender again.
— Rahul Gandhi (@RahulGandhi) February 21, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અને વિવાદ
ભારત અને અમેરિકા વચ્ચે 7 ફેબ્રુઆરીના રોજ એક મહત્વપૂર્ણ ટ્રેડ ડીલની જાહેરાત કરવામાં આવી હતી. આ સમજૂતીની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
- ભારતીય નિકાસ: ભારતીય કૃષિ ઉત્પાદનો અમેરિકામાં ‘ઝીરો ટેરિફ’ પર નિકાસ કરવામાં આવશે.
- અમેરિકન ઉત્પાદનો: ભારતે અમેરિકાના કૃષિ ઉત્પાદનોને ટેરિફમાં કોઈ મોટી છૂટ આપી નથી.
સરકારનો દાવો છે કે તેમણે ભારતીય ખેડૂતો અને ડેરી ઉદ્યોગના હિતો સાથે કોઈ બાંધછોડ કરી નથી. બીજી તરફ, કોંગ્રેસ આ સમજૂતીને ખેડૂતો સાથેનો વિશ્વાસઘાત ગણાવી રહી છે. રાહુલ ગાંધી અગાઉ બજેટ સત્ર દરમિયાન પણ આ મુદ્દે સરકારને ઘેરી ચૂક્યા છે.
