ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીનો પ્રહાર: ‘સોગંદનામું આપી શકું, અમે ડેટા સાથે દાવો કરીએ છીએ’
લોકસભાની ચૂંટણી બાદ રાજકીય ઘમાસાણ યથાવત છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર સીધો આક્ષેપ કર્યો છે. તેમણે બેંગલુરુ સેન્ટ્રલ અને મહારાષ્ટ્ર જેવી લોકસભા બેઠકોમાં મતગણતરી અને મતદાન દરમિયાન ગંભીર ગેરરીતિઓ થવાનો દાવો કર્યો છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે,
“બેંગલુરુ સેન્ટ્રલ બેઠક પર અમે ફક્ત 3 ટકા કરતા ઓછા મતથી હાર્યા. અહીં નકલી મતદારો અને ડુપ્લિકેટ મતદાનની સ્પષ્ટ નોંધ મળી છે.” તેમણે સ્પષ્ટ કહ્યું કે મતચોરી થઈ છે અને આ લોકશાહીમાં ગંભીર સમસ્યા છે.
આ દાવાઓના જવાબમાં ચૂંટણી પંચે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી મારફતે રાહુલ ગાંધીને નોંધ લીધી છે અને જણાવ્યું કે તેઓને આ દાવાઓના પુરાવા આપવા પડે. ચૂંટણી પંચે આ મામલે કાનૂની પગલાંની પણ ચીમકી આપી છે.
જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે,
“હું જે વાત કહી રહ્યો છું તે મારી જવાબદારી છે. તે સોગંદનામું સમજો. અમે ચૂંટણી પંચના ડેટાનું વિશ્લેષણ કરીને આ દાવાઓ કરી રહ્યા છીએ. જો જરૂરી હોય તો અમે સોગંદનામું આપવા તૈયાર છીએ.”
રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર,
તેમની ટીમે બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા બેઠકના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારના મતદાતા ડેટાનું વિશ્લેષણ કર્યું. તેમાં ઘણા ડુપ્લિકેટ અને બોગસ વોટરોના દાખલાઓ જોવા મળ્યા. તેમણે દાવો કર્યો કે ભાજપ આ બેઠકના સાત વિધાનસભા ક્ષેત્રમાંથી છમાં પાછળ હતી, પરંતુ માત્ર મહાદેવપુરામાં જ ભાજપને વિસ્મયજનક રીતે અતિવધુ મત મળ્યા.
તેમણે દાવો કર્યો કે મહાદેવપુરા વિસ્તારમાં અંદાજે 1,00,250 મતોની ચોરી થઈ છે. આંકડાઓ દર્શાવે છે કે અહીં અસમાન્ય રીતે મતદાનનું પ્રમાણ વધ્યું હતું અને અમુક નામો અનેક વખત રજિસ્ટર થયા હતા.
આ વિવાદો વચ્ચે હવે જોવું રહ્યું કે ચૂંટણી પંચ આ મુદ્દે શું નિર્ણય લે છે અને કોંગ્રેસ પોતાની પાસેના પુરાવા રજૂ કરે છે કે કેમ. જો આ દાવાઓ સાબિત થાય તો દેશના ચૂંટણી તંત્ર માટે ગંભીર પ્રશ્નો ઉભા થઈ શકે છે.