હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને જતા વાહન ચલાવવું અઘરું થઈ પડ્યુ છે ત્યારે ખેડૂતોને પણ ડીઝલ મોંઘું થતા ખેતીનો ખર્ચો વધી ગયો છે તેવે સમયે રાજકોટ નજીક આવેલા કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડૂત મહેશભાઈ ભૂતે બેટરીથી ચાલતા ટ્રેક્ટરની શોધ કરી ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની મદદ થી ખેતી કરી રહયા છે.
ખેડૂત મહેશભાઈએ જાતે બનાવેલા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરે આસપાસના ગામોના લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું છે.
મહેશભાઈના જણાવ્યા મુજબ બેટરી સંચાલિત ટ્રેકટર જીરો મેઇન્ટેન્સમાં ખેતી કરી શકાય છે. જો ખેડૂત ડીઝલ ટ્રેક્ટરથી ખેતી કરે તો તેને દર એક કલાકે 100થી 125 સુધીનો ખર્ચ લાગે છે. કારણ કે તેમાં ઓઈલ, ડીઝલ સહિતનું વેરેન્ટેજ વધુ લાગે છે. જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં ખેડૂતને દર એક કલાકે માત્રને માત્ર 15થી 20 રૂપિયાનો જ ખર્ચ લાગે છે. આથી તેનો ખેતી ખર્ચ ઓછો લાગે છે. હાલના વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ જોતા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર સાવ સસ્તુ અને બિન ખર્ચાળ થાય છે. આ બેટરી સંચાલિત ટ્રેક્ટર હાલ અંદાજીત સાડા પાંચ લાખ રૂપિયાની આજુબાજુમાં પડતર કિંમતમાં થાય છે. પરંતુ જો સરકાર આ બેટરી સંચાલિત ટ્રેક્ટરમાં સબસીડી જેવી યોજનાઓ લાગુ કરે તો આ ટ્રેક્ટર ત્રણથી સાડા ત્રણ લાખમાં ખેડૂતને પડતર કિંમતમાં પડે તો ખેડૂતને સારો લાભ મળવાપાત્ર છે.
ટ્રેક્ટરની અંદર મેં લિથિયમ બેટરીનો ઉપયોગ કર્યો છે. જે 70 વોલ્ટની સીંગલ બેટરી છે. બેટરીની 7 હજાર કલાકની ગેરેન્ટી છે. 7 હજાર કલાકમાં કઈ પણ સમસ્યા આવે તો કંપની પીસ ટુ પીસ જ બદલાવી આપશે. તેમજ ટેકનોલોજીનો પણ મેં ઉપયોગ કર્યો છે. એકવાર બેટરી ચાર્જ થઈ જાય એટલે 10 કલાક સુધી ટ્રેક્ટર ચાલે છે. તેમજ ડિજીટલ ડિસ્પ્લે આપી છે જેમાં ઇન્ડિકેટર ચાલુ કરો તો સિગ્નલ, કેટલા ટેમ્પરેચરમાં ટ્રેક્ટર ચાલી રહ્યું છે તે બતાવે છે. તેમજ મોબાઈલ સાથે કનેક્ટ કરવાથી આ બધી વસ્તુઓ મોબાઈલમાં પણ બતાવે છે. આખે આખું ટ્રેક્ટર મોબાઈલ સાથે કનેક્ટ હોવાથી તમે ગમે ત્યાંથી જોઈ શકો છો કે, તમારૂ ટ્રેક્ટર કેટલા ટેમ્પરેચરમાં ચાલે છે, કેટલી બેટરી છે તે જાણી શકાય છે.
આમ ગામડાના ખેડૂતે પોતાની કોઠાસૂઝ થી તૈયાર કરેલા આ ઈલેક્ટ્રોનિક ટ્રેક્ટર થી ખર્ચ બચતો હોય લોકોમાં આ ટ્રેક્ટર વસાવવા માટે હોડ લાગી છે.