એક અપરાધી જયારે કોઈ ગુનો કરે ત્યારે તેને સુધરવાની તક આપવામાં આવે છે પણ કેટલાક ગુનેગાર ક્યારેય સુધરતા નથી અને જેલમાં ડાહ્યા ડમરા દેખાતા ગુનેગાર બહાર આવતાજ પોતાનો અસલી ગેર કાનૂની ધંધો શરૂ કરી દે છે, આવાજ એક કિસ્સામાં
રાજકોટ શહેર પોલીસ દોઢ વર્ષ પહેલા દત્તક લીધેલી 23 વર્ષની ડ્રગ એડિકટ અમી દિલીપભાઈ ચોલેરા રહે.રાજહસં એપાર્ટમેન્ટ બ્લોક નં.એ-૭ કરણપરા શેરી નં.૧૧૧૨ને એસ.ઓ.જી.ના હાથે ફરી વધુ એક વખત એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાઇ છે ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા કે જે છોકરી ને સુધારવા કાઉન્સિલિંગ અને અનેક પ્રયત્નો કર્યા અને ભરોસો કર્યો તે છોકરી જેલમાંથી બહાર આવતાજ ફરી ગેરકાનૂની ધંધે ચડી ગઈ!
અમી રાજકોટમાં રેસકોર્સ રિંગરોડ પર બાલભવનના દરવાજાથી અંદરના ભાગે મેફેડ્રોન ડ્રગ્સ સાથે જીજે૦૩એલએસ ૪૭૪૯ નંબરના એકિટવા ઉપર પહોંચી ત્યારે મહિલા પોલીસ અને એસઓજી ની ટીમે અમીને અટકાવી તલાશી લેતા
એકિટવાની ડેકી અને અમીના પેન્ટના ખિસ્સામાંથી એમ.ડી. (મેફેડ્રોન) ડ્રગની બે પડીકી મળી આવી હતી. ૧૨.૩૬ ગ્રામ ડ્રગ કે જેની કિંમત ઈન્ટરનેશનલ માર્કેટ મુજબ ૧,૨૩,૬૦૦ રૂપિયા થાય છે
અમી પાસેથી રૂ.૨૫૦૦૦ની કિંમતનો આઈફોન વજન કાંટો મળી ૧,૭૮,૭૦૦નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. એફ.એસ.એલ. ની તપાસમાં અમી પાસેથી મળેલો પાવડર એમ.ડી.ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આવતા અમીની નાર્કેાટિકસ એકટ હેઠળ ધરપકડ કરાઈ હતી.
પેડલર અમીએ ડ્રગનો જથ્થો બજરંગવાડીમાં રહેતો અને વધુ પડતું રામનાથપરા વિસ્તારમાં નેટવર્ક ધરાવતા જલાલબાપુ નામના ઇસમ પાસેથી ખરીદ્યો હોવાનું કબૂલતા સપ્લાયર જલાલબાપુની અટકાયત કરાઈ છે.
મહત્વનુ છે કે વર્ષ ૨૦૨૧માં અમી તેના પૂર્વ પતિ આકાશ તથા અન્ય એક શખસ ઈમરાન સાથે એક હોટલમાંથી ડ્રગ સાથે ઝડપાઇ હતી તે સમયે પોતે આવા કામ નહીં કરે અને હવે સુધરી જશે તેવી વાતો કરતા અને પોતાને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભરતી થવું છે વધુ અભ્યાસ કરવો છે તેવી પોલીસને જણાવતા રાજકોટ પોલીસ દ્રારા અમીને દત્તક લેવામાં આવી હતી અને રાજકોટ પોલીસની દત્તક પુત્રી હોવાનું જાહેર કરાયું હતું.
અમીને સુધારવા કે પોલીસ અફસર બનાવવા રોજ તેની સાથે મહિલા કોન્સ્ટેબલથી લઈ મહિલા અધિકારી રહેતા હતા. ગ્રાઉન્ડમાં કસરતો કરાવતા હતા અને મહિલા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ અમીને ખુબ માર્ગદર્શન આપતા રહેતા હતા.
દરમિયાનમાં અમી જામીન મુકત થયા બાદ બધું ભૂલી ગઇ અને ફરી ડ્રગ્સની દુનિયામાં જતી રહી હતી અને છેલ્લા એકાદ વર્ષથી ડ્રગનો ધંધો કરતી હતી, અમી એક ગ્રામ એમ.ડી. ૧૬૦૦ રૂપિયામાં ખરીદી રૂ.૨૫૦૦થી લઈને ૩૦૦૦ રૂપિયા સુધી વેચતી હોવાની વાતનો ખુલાસો થયો છે.
જોકે, જે રીતે અમી એ પોલીસનો ભરોસો તોડ્યો હતો તેજ રીતે પોતાના પરિવારનો પણ ભરોસો તોડયો હતો.
અગાઉ પણ પરિવારજનોએ અમી સાથે કોઈ સંબધં ન હોવાનું જણાવ્યું હતું. અત્યારે પણ અમી પરિવારથી અલગ રહેતી હોવાનું પોલીસે જણાવ્યું છે.
આમ,પોલીસે જેને દત્તક લઈ સુધરવાનો મોકો આપ્યો તે અમી ફરી ડ્રગ્સ વેંચતા પકડાઈ છે,આ પ્રકરણે ખાસ કરીને પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે.