બજાજ ફાઇનાન્સમાંથી હપ્તા ઉપર લીધેલા A.C.નો 2400 રુપિયાનો હપ્તો ભરવાનું ચુકી જતા રાજકોટ જિલ્લાના ભાયાવદર યુવા ભાજપ પ્રમુખ હાર્દિક રામાણીને આઠ જેટલા શખ્સોએ જાહેરમાં માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના ભાયાવદર યુવા ભાજપ પ્રમુખ હાર્દીક ગીરીશભાઇ રામાણી (ઉ.વ 32)એ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ભાયાવદરમા બાલાજી ટેલિકોમ નામની મોબાઈલની જુના બસ સ્ટેન્ડ ચોક પાસે દુકાન છે. તા.17.05.2023ના રોજ સાંજના 08.30 વાગ્યાની આસપાસ હું મારી દુકાનની સામેની બાજુ ઉભો હતો તે વખતે અચાનક ચાર મોટરસાયકલ ડબલ સવારીમાં આવેલા ઈસમો પૈકી પ્રથમ બે જણા કલ્પેશ બારોટ તથા મયંક વાડોદરીયા જે બંને ઉપલેટા રહે છે, તે બંને મને પકડી જેમ ફાવે તેમ મને ગાળો બોલવા લાગેલ અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા.
ત્યારબાદ પાછળથી પ્રકાશ ઉર્ફે કારો જોગલ જે ઉપલેટા રહે છે તે તથા તેની સાથેના પાંચ અજાણ્યા માણસો આવેલ અને મને પકડી આડેધડ ઢીકા પાટુ મારવા લાગેલ અને તેવામા ત્યા મારો ભાઈ કેનીલ તથા દિનેશભાઈ મેદપરા મને બચાવવા વચ્ચે પડેલ અને મને વધુ મારમાથી બચાવેલ અને આ લોકો ત્યાથી જતા જતા મને ધમકી આપતા ગયેલ કે હપ્તાના બાકી પૈસા ભરી દેજે નહીતર તને જાનથી મારી નાખીશું અને મને શરીરે ડાબી આંખની ઉપર નેણના ભાગે જમણા હાથે કોણીના ભાગે તેમજ જમણા હાથની ટચલી આંગળીએ તથા જમણા પગે ગોઠણના ભાગે મુંઢ ઈજા થયેલ હોય મને દિવ્યેશભાઈ રામાણી તથા જિજ્ઞેશભાઈ રામાણી ભાયાવદર સરકારી દવાખાને લાવતા સારવાર આપી રજા આપેલ છે.
આ બધા લોકો ભેગા મળી મારી બજાજ ફાઈનાન્સનો A.C.નો હપ્તો 2400નો ભરવાનો બાકી હોય, જે હપ્તો હુ ચુકી ગયેલ હોય જેની ઉઘરાણી મારી પાસે કરી મને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી આ લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધાવુ છું. હાલ પોલીસે IPC કલમ 323, 504, 506(2), 143, 147, અને 149 મુજબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.