રાજકોટ જિલ્લા ભાજપમાં આંતરિક ડખ્ખો જોવા મળ્યો હતો.
જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા રાજકોટ તાલુકા પ્રમુખ બાબુભાઇ નશીતને પ્રમુખ પદેથી દૂર કરતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થા રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની આજની બેઠકમાં પ્રદેશ ભાજપની સૂચનાને અવગણી સંગઠનને નુકસાન પહોંચાડતા હોવાનું કારણ દર્શાવી બાબુભાઇને પ્રમુખ પદેથી હટાવી દેવાયા છે.
રાજકોટ લોધીકા સંઘની આજની બેઠકમાં ભાજપના બે જૂથ આમને સામને આવી ગયા હતા.
મહત્વનું છે કે અગાઉની બેઠકમાં પણ નવનિયુક્ત ચેરમેન, વાઇસ ચેરમેનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બબાલ થઈ હતી જે બાદ વાઇસ ચેરમેને રાજીનામું આપવાની વાત કર્યા બાદ આજની બેઠકમાં પણ ભાજપના જ બે જૂથ આમને સામને આવી જતા વધુ એક વખત ભડકો થયો છે.
આ વખતે જિલ્લા પ્રમુખ ઢોલરિયાએ તો વિરોધ નોંધાવનાર તાલુકા પ્રમુખ બાબુ નશીતને જ પ્રમુખ પદેથી દૂર કરી પક્ષની સિસ્ટમ વિરુદ્ધ ચાલનારાઓ સામે કડક કાર્યવાહીનો સીધો મેસેજ આપતા ભાજપમાં આ મેટર ભારે ચર્ચાનો વિષય બની છે.