રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓને ગેરશિસ્ત અને ચાલુ લેક્ચરમાં મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓને કોમ્પ્યુનિટી મેડિસિન વિષયના લેક્ચરમાં 15 દિવસ સુધી નહીં બેસવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PSM વિભાગના લેક્ચરમાં વિદ્યાર્થીઓએ શિસ્તભંગ કરી હોવાને કારણે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરતાં મેડિકલ કોલેજના ડીને તમામ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે.
આ ઉપરાંત આગળ પણ જો આ પ્રકારનું વર્તન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે, એવી મેડિકલ કોલેજના ડીન દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
રાજકોટ ખાતે આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં ગત તારીખ 20 જુલાઈના રોજ કોમ્યુનિટી મેડિસિનના ચાલુ લેક્ચર દરમિયાન મહિલા પ્રોફેસર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. તે વખતે ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પાછળ બેઠાં હતાં. જેઓને આગળની બેન્ચ ઉપર બેસવાનું કહેવામાં આવ્યું છતાં વિદ્યાર્થીઓ આગળ આવ્યા નહોતા અને મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા મહિલા પ્રોફેસર દ્વારા ડિન ને લેખિત ફરિયાદ કરતા આ વાતને ગંભીરતાથી લઈ શિસ્ત જાળવવાની ભાવના કેળવાય અને ફરી આવી ભૂલ ન કરે તે માટે કડક પગલાં ભરવામાં આવ્યા હતા.