રાજકોટમાં સ્વામિનારાયણ ચોકમાં ગઈકાલે પાંચ કાર રસ્તા વચ્ચે ઊભી રાખી રોડ બ્લોક કરી દઈ જાહેરમાં શીન સપાટા કરી બર્થડે સેલિબ્રેશન કરવાના પ્રકરણમાં પોલીસે આ રીતે બર્થડે નહિ મનાવવા જણાવતા વિશાલ ભીખા જોશી અને તેના ભાઈ ઇશાને પોલીસ સાથે ઘર્ષણ કરતા બાદમાં વધુ પોલીસ ટુકડી આવી જતાં મચેલી ભાગદોડ બાદ આ બનાવમાં 9 પૈકી 4ની ધરપકડ કરાઈ છે જ્યારે 5 શખસની શોધખોળ ચાલુ છે.
વિગતો મુજબ રાજકોટના વિશાલ ભીખા જોશીનો ગઈકાલે બર્થડે હતો. આથી પરિવારજનો અને મિત્રો બર્થડે સેલિબ્રેટ કરવા 5 કાર લઈને સ્વામિનારાયણ ચોકમાં આવ્યા હતા. બાદમાં પાંચેય કાર રસ્તા વચ્ચે રાખી બોનેટ પર 6 જેટલી કેક રાખી હતી. બાદમાં ટ્રાફિકમાં અડચણરૂપ થતા જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી. આથી માલવિયાનગર પોલીસ દોડી આવી હતી અને પાંચેય કાર રસ્તા પરથી હટાવવાનું કહેતા વિશાલ અને તેના ભાઈ ઇશાને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું.
આ ઘટના અંગે એસીપી વિશાલ રબારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ વિશાલ અને ઇશાન વિરૂદ્ધ મારામારી, દારૂ, ગેરકાયદેસર હથિયારના ગુના નોંધાયા છે. 10 વર્ષ પહેલા ઇશાને પ્રેમસંબંધમાં પોતોના મિત્રનું અપહરણ કરી હત્યા કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે આમ એક મર્ડર કેસનો પણ આરોપી હોવાનું ખુલ્યું છે.