આજકાલ મોબાઈલના જમાનામાં લોકો સતત વ્યસ્ત થઈ ગયા છે અને વાત કરતા કે મોબાઈલમાં ચેટ કરતી વખતે આસપાસનું ભાન રહેતું નથી ત્યારે ઘણીવાર આવું જીવલેણ સાબિત થાય છે.
આવાજ એક કિસ્સામાં રાજકોટમાં બન્યો છે જ્યાં એક પર પ્રાંતિય વ્યક્તિ વતનમાં રહેતી પોતાની પત્ની સાથે મોબાઇલ પર વાતચીત કરતી વખતે એટલો મગ્ન થઈ ગયો કે અગાશી પરથી નીચે પટકાયો અને શ્રમિકનું મોત થઈ ગયું હતું.
રાજકોટના સાધુ વાવસાણી રોડ પરના ગોપાલ ચોકમાં ભાડાના મકાનમાં રહેતો ઉત્તરપ્રદેશનો વતની રામઅચલ લેખરાજ રાજભર (ઉ.વ.42) શુક્રવારે સાંજે કામ પરથી પોતાના ઘરે આવ્યો હતો અને રાત્રે જમીને અગાશી પર પત્ની સાથે વાતચીત કરવા ગયો હતો.
અગાશીમાં મોબાઇલ પર પત્ની સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે તે એટલો બધો મગ્ન થઈ ગયો હતો કે તેને ખ્યાલ ન રહેતા તે અચાનક જ અગાશી પરથી નીચે પટકાયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા રામઅચલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું.
યુનિવર્સિટી પોલીસ તપાસ કરી રહી છે.