રાજકોટની ગોંડલ ચોકડી ઉપર રૂ. 90 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયા બાદ માત્ર 90 દિવસમાં જ કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજના ઉપરના ભાગે સેફટી વોલમાં તિરાડ અને મસમોટું ગાબડું પડતા તકલાદી કામની પોલ છતી થઈ જતા લોકોમાં આ મુદ્દો ભારે ચર્ચા સ્પદ બન્યો છે.
બ્રિજના ભાગે અધ્ધર લટકી રહેલો અંદાજે 30 કિલો જેવડો સિમેન્ટનો પોપડો જો નીચે પડે તો ગંભીર અકસ્માત થવાની પૂરતી શક્યતા હોવા છતાં તંત્ર નિંદ્રાધીન છે.
જોકે 30 ટકા કરતા વધુ ભાગ ખરી ગયો છે. બાકીનો ભાગ જોખમી રીતે લટકી રહ્યો છે. તાજેતરમાં જ એક ભાગ નીચે પડતા ત્યાં પાર્ક કરેલી એક કાર ના કાચ તૂટી ગયા હતા પણ સદ નસીબે તે વખતે કોઈ હાજર નહીં હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી તેવા સમયે આ જોખમી પોપડો દૂર કરવા માંગ ઉઠવા પામી છે.