રાજકોટમાં કોરોના ના ખપ્પર માં માત્ર બે દિવસમાં 137નાં મોત થયાનું સરકારી ચોપડે બતાવાયું છે પણ અગ્રણી મીડિયાજૂથ ના દાવા મુજબ ચાર સ્મશાનમાં માત્ર બેજ દિવસમાં કોરોના ના 331 મૃતદેહની અંતિમવિધિ કરાઈ હોવાનું સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે,સરકારી તંત્રના જાહેર કરેલા આંકથી ત્રણ ગણા મોત બહાર આવતાં તેની ગંભીરતા જોઈ શકાય છે.
રાજકોટમાં લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળતા , એમ્બ્યુલન્સની અછત છે, ઈન્જેક્શનની અછત છે, કોરોનાને લગતી દવાઓની અછત છે, ટેસ્ટ કિટની અછત છે, સ્મશાનની અછત છે. મૃતાંક અને કોરોનાના કેસ વધી રહ્યા છે જેના પર તંત્રનો કોઇ કાબૂ રહ્યો નથી આ જ કારણે લોકોને ટેસ્ટથી માંડીને સ્મશાનગૃહ સુધી કતારમાં ઊભું રહેવું પડતું હોવાની વાસ્તવિકતા સામે આવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સવારથી રાત સુધી આ જ પ્રકારે અનેક પરિવારોનું હૈયાફાટ રુદનનાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 82 દર્દી, એટલે કે દર એક કલાકે 3થી વધુ દર્દીનાં મૃત્યુ થયાનું સામે આવ્યું છે. આમ, એક બાદ એક દર્દીનાં કોરોનાથી ટપોટપ મૃત્યુ થઇ રહ્યાં છે, ત્યારે હવે કોરોનાનો આ કાળ અટકાવવા તંત્રની આંખ ખૂલશે કે પછી કાયમને માટે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં પરિવારજનોના હૈયાફાટ રુદન થતાં રહેશે