હાલ રાજ્ય માં કોરોના એ આતંક મચાવ્યો છે ત્યારે હોસ્પિટલ માં અનેક ગરબડો બહાર આવી રહી છે તેવે સમયે જીવતા માજી ને રાજકોટ સિવિલે મૃત જાહેર કરી દેતા સ્વજનો સફેદ શોક વાળા કપડાં પહેરી અંતિમ દર્શન માટે પહોંચ્યા તો માજી નો મૃતદેહ ન મળ્યો પણ જીવતા માજી મળ્યા અને તબિયત સારી હોવાનું જણાવતા પરિવારજનો ને ગુસ્સો પણ આવ્યો અને માજી ને જીવતા જોઈ ખુશી પણ જોવા મળી હતી. વિગતો મુજબ રાજકોટ નજીક આવેલા વાંકાનેરની ગાયત્રી સોસાયટીમાં રહેતા હિરાબેન છગનભાઇ પટેલ (ઉ.વ.74)ને શ્વાસ લેવાની તકલીફ શરૂ થતાં ગત તા.14ના સવારે 11 વાગ્યે રાજકોટ લઇ આવવામાં આવ્યા હતા, છ કલાક કતારમાં ઊભા રહ્યા બાદ સાંજે પાંચ વાગ્યે સિવિલના કોવિડના મુખ્ય વિભાગે પહોંચ્યા હતા. રાત્રીના 1 વાગ્યા સુધી ત્યાં સ્ટ્રેચર પર રાખ્યા પછી હિરાબેનને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તા.15ના હોસ્પિટલ સ્ટાફ દ્વારા પરિવારજનોને ટેલિફોનથી જાણ કરવામાં આવી હતી કે, હિરાબેનને સમરસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તા.16ના રાત્રીના 9 વાગ્યે ફરીથી હોસ્પિટલથી ફોન થયો હતો અને હિરાબેનનું મૃત્યુ થયું છે, ફરીથી ફોન કરીએ ત્યારે અંતિમદર્શન માટે આવજો.
તા.17ના સાંજે 5 ફોન કરી અંતિમદર્શન કરવાનું કહેવામાં આવતાં પટેલ પરિવારના કેટલાક પુરુષો પનિયા સાથે અંતિમદર્શન માટે રાજકોટ આવવા નીકળ્યા હતા અને રાત્રે 8 વાગ્યે સિવિલ પહોંચ્યા હતા. પટેલ પરિવાર પહોંચતા જ ત્યાં ફરજ પર રહેલા સ્ટાફે હિરાબેનના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. હિરાબેનની અંતિમવિધિના લિસ્ટમાં નામ પણ નોંધાઇ ગયું હતું, મૃતકના લિસ્ટમાં હિરાબેનનું નામ હતું પરંતુ તેની લાશ મળતી નહોતી. રાત્રીના 12 વાગ્યા સુધી લાશની શોધખોળ ચાલી હતી પરંતુ હિરાબેનનો મૃતદેહ મળતો નહોતો તે વખતે જ સમરસ હોસ્પિટલમાંથી નર્સે ફોન કર્યો હતો અને હિરાબા સાથે વાત કરો તેમ કહેતાં જ પટેલ પરિવાર આશ્ચર્યચકિત થઇ ગયો હતો.
હિરાબાએ પણ ફોનમાં કહ્યું હતું કે, ‘મારી તબિયત સુધારા પર છે’. પરિવારના સ્વજનના મૃત્યુ અને તેના અંતિમદર્શનની વેદના સાથે બબ્બે દિવસ વિતાવનાર પટેલ પરિવાર હિરાબા જીવિત હોવાની વાતથી ખુશ હતા પરંતુ હોસ્પિટલની લાપરવાહીથી તમામ લોકો લાલઘૂમ થઇ ગયા હતા, અંતે હોસ્પિટલના જવાબદાર તબીબે માફી માગતા મામલો થાળે પડ્યો હતો