રાજકોટ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં નવા નીર આવ્યા છે અને કેટલાક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ત્યારે ગોંડલ તાલુકાના લિલાખા ગામ નજીક આવેલા સૌરાષ્ટ્રના બીજા નેબરના સૌથી મોટા ભાદર 1 ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા રાત્રે 2 વાગ્યે 22 દરવાજા 5 ફૂટ સુધી ખોલી નાખવામાં આવતા ભાદર નદી બેકાંઠે વહી રહી છે પરિણામે નિચાણવાળા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
હાલ ડેમમાં 40207 ક્યુસેક પાણીની આવક સામે 40207 ક્યુસેક પાણી છોડવામાં આવતા ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
ડેમની હેઠળ આવેલા 22 ગામને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું.
ડેમની હેઠવાસમાં આવતા ગોંડલના લિલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાગરા, લુણાગરી, વાડાસડા, જામકંડોરણા તાલુકાનાં તરવડ, ઈશ્વરીયા ધોરાજી તાલુકાના વેગડી, ભુખી, ઉમરકોટ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.