જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન શરૂ થયા તેના ગણતરીના કલાકો પહેલાં પડઘરીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાની પોલીસે પૂછપરછ કરી હતી. લલિત કગથરાની પૂછપરછને પગલે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉચાટ જન્મી ગયો હતો.
વિગતો મુજબ ધારાસભ્ય લલિત કગથરાની રાજકોટ રૂરલ પોલીસ દ્વારા મોડી રાત્રે પૂછપરછ કરવામાં આવી હતી.ચૂંટણી પંચની આચરસંહિતાનો નિયમ છે જે વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી હોય અને તે મત વિસ્તારનો મતદાર કે વ્યક્તિ ન હોય તેમણે મતદાનનાં 48 કલાક પહેલા તે વિસ્તારને છોડી દેવાનો હોય છે. લલિત કગથરાએ ચૂંટણી પંચના આદેશનો ભંગ કર્યો હોવાથી તેમને પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવાયા હતા.
જો કોઈ રાજકીય વ્યક્તિ હોય તો તેને ચૂંટણી પંચના આદેશ પ્રમાણે વર્તવાનું હોય છે. પરંતુ ચર્ચા મુજબ જસદણની ચૂંટણીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી લોકોને બસ અને અન્ય વ્હીકલ મારફત રવાના કરવામાં આવ્યા હતા, લલિત કગથરાની પૂછપરછ અંગે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મોડી રાત્રે ટેલિફોન પર જણાવ્યું કે લલિત કગથરાની પૂછપરછ કરી પોલીસે તેમને છોડી દીધા છે.