રાજકોટના છેવાડે આવેલી મારવાડી યુનિવર્સિટીમાં બીએસસીમાં અભ્યાસ કરતા કોલેજીયન સહિત ૫૦ જેટલા વિદ્યાર્થીઓને એટીકેટી અને બેકલોગને કારણે યુનિવર્સિટી દ્વારા ડીટેઈન કરવામાં આવ્યા હતા. જેના પગલે આ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરી દેવા રેક્ટરે સૂચના આપી હતી. જેના પગલે નાશીપાસ થયેલા જૂનાગઢના નિલ ઠકરાર નામના વિદ્યાર્થીએ હોસ્ટેલના ૧૧માં માળેથી પડતું મૂકીને મોત માગી લીધું હતું.
જૂનાગઢમાં રહેતા અને છેલ્લાં બે વર્ષથી મારવાડી યુનિવર્સિટીમાં બીએસસીમાં અભ્યાસ કરતા નિલ હિરેનભાઈ ઠકરાર નામના વિદ્યાર્થીને એક એટીકેટી અને એક બેકલોગ આવતા બૂધવારે યુનિવર્સિટીના બીએસસી ડિપાર્ટમેન્ટના વડા શ્રીધરન કર્નલે ૫૦ જેટલા વિદ્યાર્થીઓને ડીટેઈન કરવાનું લિસ્ટ બહાર પાડ્યું હતું. જેના પગલે રેક્ટર અમ્યુલ્ય શાહુએ નિલ સહિતના વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા સૂચના આપી હતી. દરમિયાન નિલે તેના મિત્રને કહ્યું કે મારા પપ્પા સાથે વાત કરી લવું ત્યારબાદ નિલ બૂધવારે સાંજના ૭ વાગ્યાના સૂમારે હોસ્ટેલના ૧૧માં માળે આવેલા પોતાના રૂમ નં.૧૧૨૪માં ગયો હતો. જ્યાંથી નિલે મોતની છલાંગ મારી લીધી હતી.
સાથી મિત્રોએ લોહીલુહાણ હાલતમાં સીનર્જી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બીજી બાજુ પૂત્રએ આપઘાતી પગલું ભરી લીધાની જાણ થતાં જૂનાગઢમાં રહેતા અને દાણાપીઠમાં કરિયાણાનો વેપાર કરતા હિરેનભાઈ ઠકરાર સહિતના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. જ્યાં કોઈ સારવાર કારગત નિવળે તે પહેલા જ નિલે દમ તોડી દીધો હતો. આ બનાવના પગલે વિદ્યાર્થી આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
દરમિયાન જીટીયુના કુલપતિ ડો.નવીન શેઠે જણાવ્યું હતું કે, અગાઉ પહેલા સેમેસ્ટરમાં ચાર વિષયમાં વિદ્યાર્થી ફેઈલ હોય તો પણ તેને પાંચમાં સેમેસ્ટરમાં પ્રવેશ અપાતો હતો. પરંતુ છેલ્લા એક વર્ષથી આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી પાંચમાં સેમેસ્ટરમાં પ્રવેશ પૂર્વે વિદ્યાર્થીને પ્રથમ સેમેસ્ટરના તમામ વિષય પાસ કરવા ફરજિયાત બનાવાયા છે. જો વિદ્યાર્થી પ્રથમ સેમેસ્ટરમાં તમામ વિષયમાં પાસ થયો ન હોય તો તેને એક વર્ષ માટે ડીટેઈન કરવામાં આવે છે.