ધોરાજીમાં હનિટ્રેપનો એક બનાવ સામે આવ્યો છે, જેમાં કુખ્યાત પાયલ બુટાણીનું નામ સામે આવ્યું છે. પાયલ બુટાણી અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકી છે. આ મામલે પોલીસે તેની ધરપકડ કરી છે. 2017ના વર્ષમાં પાયલ બુટાણી સામે એક ફ્લેટના ફ્લેટ માલિકને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ કેસની વિગત એવી છે કે કુખ્યાત પાયલ બુટાણી અને તેની ટોળકીએ ધોરાજીના એક વેપારીને હનિટ્રેપમાં ફસાવ્યો હતો. જે બાદમાં વેપારીની બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

હનિટ્રેપમાં ફસાવ્યા બાદ પાયલ બુટાણી અને તેની ટોળકીએ વેપારી પાસેથી રૂ. 20 લાખની માંગણી કરી હતી. આ મામલે પોલીસે અન્ય એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

આ મામલે વેપારીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પાયલ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે. આ મામલે પોલીસે મંગળવારે પાયલ સહિત પાંચ લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પાયલ બુટાણી સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકે જાણીતી છે. થોડા વર્ષો પહેલા રાજકોટમાં એક કારમાંથી દારૂ અને બીભત્સ સાહિત્ય સાથે બે યુવતીની ધરપકડ કરવામાં આવી, જેમાંથી એક પાયલ બુટાણી હતી. જે બાદમાં તેનું નામ ચર્ચામાં આવ્યું હતું.