૧૦૦થી વધુ વન્યપ્રાણી પ્રજાતિ, ૧૫૦ પક્ષીઓ અને અનોખું કુદરતી સૌંદર્ય ધરાવતું રામપરા અભ્યારણ્ય
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલું ૧૫.૦૧ વર્ગ કિ.મી. માં ફેલાયેલું “રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય” આજે વન્યજીવ પ્રેમીઓ અને પર્યાવરણના જતન માટે એક અનન્ય ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. અગાઉ વાંકાનેર રાજવી પરિવારની શિકારગાહ ગણાતી આ વીડી આજે એશિયાઈ સિંહોના સંવર્ધન અને વિવિધ વન્ય પ્રાણીઓના આશ્રયસ્થાન તરીકે વિકસી છે.
વન્યજીવ વૈવિધ્ય અને સંવર્ધન કેન્દ્ર
નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ કુમાર બેરવાલના જણાવ્યા મુજબ, આ અભ્યારણ્ય જૈવિક વિવિધતાથી ભરપૂર છે:
-
સસ્તન પ્રાણીઓ: અહીં સિંહ, દીપડા, ઝરખ, વરુ, ચિંકારા અને નીલગાય સહિત ૨૦થી વધુ જાતના પ્રાણીઓ વસવાટ કરે છે.
-
જીન-પૂલ અને બ્રિડીંગ સેન્ટર: વર્ષ ૨૦૦૮થી અહીં સિંહો માટે ‘જીન-પૂલ વસ્તી’ પ્રોજેક્ટ કાર્યરત છે, જેમાં ૧૨ સિંહ માટે આધુનિક એન્કલોઝર છે. આ ઉપરાંત ચિત્તલ અને સાંભર માટે પણ ખાસ બ્રિડીંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે.
-
તબીબી સુવિધા: વન્ય પ્રાણીઓના ઉપચાર માટે ખાસ દવાખાનું, પશુ ચિકિત્સક અને રેસ્ક્યુ વાહનની સુવિધા ઉપલબ્ધ છે.
પક્ષીઓ અને વનસ્પતિનો ખજાનો
અભ્યારણ્યમાં ૧૫૦થી વધુ પ્રકારના સ્થાનિક અને યાયાવર પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે:
-
પક્ષી વૈવિધ્ય: મોર, બુલબુલ, સુગરી અને શિકારી પક્ષીઓમાં બાજ તથા શિકરા જોવા મળે છે. ચોમાસામાં નવરંગ (ઇન્ડિયન પિટ્ટા) અહીના મહેમાન બને છે.
-
વનસ્પતિ સંપત્તિ: ૪૦૦ જેટલી વનસ્પતિની જાતોમાં ભૂરી શંખાવલિ, ગુગળ અને સીસમ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. અહીં શણિયાર અને જીંજવો જેવું પૌષ્ટિક ઘાસ વિપુલ પ્રમાણમાં ઉગે છે.
-
પતંગિયા પાર્ક: રંગબેરંગી પતંગિયા અને ૧૦થી વધુ જાતના કરોળિયા જૈવિક વિવિધતામાં ઉમેરો કરે છે.
જળ સંચય અને પ્રકૃતિ શિક્ષણ
વન વિભાગ દ્વારા આ વિસ્તારને હરિયાળો રાખવા માટે અનેક પાયાના કામો કરવામાં આવ્યા છે:
-
પાણીની વ્યવસ્થા: ૧૯૯૮માં બનાવેલા તળાવ અને અન્ય કૃત્રિમ સ્ત્રોતો દ્વારા વન્યજીવો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે.
-
ઇકો સેન્સિટિવ ઝોન: અભ્યારણ્યની આસપાસ ૩૧.૦૮ ચોરસ કિમી વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે.
-
જનજાગૃતિ: આ વર્ષે ૧૭ પ્રકૃતિ શિક્ષણ શિબિરો દ્વારા ૮૬૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કુદરત સાથે જોડવામાં આવ્યા છે.
રામપરા અભ્યારણ્યની મુલાકાત એ પ્રકૃતિના ખોળે બેસવા સમાન છે, જ્યાં ચોમાસામાં હરિયાળી અને શિયાળામાં સોનેરી ઘાસનું સૌંદર્ય જોવા મળે છે.


