જાબુઆથી આવેલા વાઘને રતનમહાલ જંગલમાં મળ્યો નવો ટેરિટરી આધાર
દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યમાં છેલ્લા ઘણા મહિનાઓથી જોવા મળતા નર વાઘ અંગે હવે સત્તાવાર રીતે મહત્વની માહિતી સામે આવી છે. લગભગ નવ મહિનાથી સતત આ વિસ્તારમાં ફરી રહેલો આ વાઘ હવે રતનમહાલના જંગલોને પોતાની ટેરિટરી તરીકે સ્વીકારી ચૂક્યો છે. અંદાજે છ વર્ષની ઉંમરનો અને સંપૂર્ણ રીતે તંદુરસ્ત દેખાતો આ વાઘ છેલ્લા લાંબા સમયથી નિરીક્ષણ હેઠળ હતો. વન વિભાગની ટીમો તેની દરેક હલચલ પર સતત નજર રાખી રહી છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને.
વન મંત્રીનો દાવો: રતનમહાલની જૈવવિવિધતા માટે વર્ષોથી કરેલા પ્રયત્નોનું ફળ
વન મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે રતનમહાલ વિસ્તાર પરંપરાગત રીતે જૈવવિવિધતાથી સમૃદ્ધ રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી વિભાગે અહીં પ્રકૃતિનું સંતુલન જાળવવા વિશેષ પ્રયાસો કર્યા હતા. મંત્રીએ કહ્યું કે કરાયેલા આયોજન અને સંરક્ષણનાં પગલાંઓને કારણે જ આજે વાઘનો કેમેરામાં સ્પષ્ટ રેકોર્ડ મળ્યો છે. વાઘને કોઈપણ વિક્ષેપ ન પડે, ખોરાક સરળતાથી મળે અને તેનું સ્વાભાવિક વર્તન જળવાય રહે તે માટે તમામ જરૂરી તકેદારીઓ લેવામાં આવશે.
મધ્યપ્રદેશના જાબુઆ વિસ્તારથી રતનમહાલ પહોંચ્યો હોવાની મજબૂત સંભાવના
અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો. જયપાલસિંહે જણાવ્યું કે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જંગલો વાઘ માટે અનુકૂળ ગણાય છે. રતનમહાલમાં જોવા મળેલો વાઘ મધ્યપ્રદેશના જાબુઆ અને આસપાસના કાઠીવાળા વિસ્તારોમાંથી આવ્યો હોવાનો અંદાજ છે. છેલ્લા મહિનાઓ દરમિયાન તેણે અભયારણ્યની અંદર પોતાની ચોક્કસ ટેરિટરી બનાવી છે, જે તેનું અહીં સ્થાયી વસવાટ શરૂ થવાનો સ્પષ્ટ સંકેત છે. સમગ્ર માહિતીને આધારે NTCA ને પણ જાણ કરી દેવામાં આવી છે.
જરૂર પડે તો માદા વાઘની માંગણી, સંવર્ધનને પ્રોત્સાહન આપવાની તૈયારી
નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા આગળના પગલાં માટે માર્ગદર્શન આપવામાં આવશે. જો જરૂર જણાશે તો રતનમહાલ વિસ્તારમાં સંવર્ધનની પ્રક્રિયા મજબૂત બનાવવા માદા વાઘની પણ માંગણી કરી શકાય છે. રતનમહાલ વિસ્તાર પહેલેથી જ રીંછ, જંગલી ભૂંડ અને નીલગાય સહિતના જંગલી પ્રાણીઓની વસતી માટે ઓળખાય છે, જે વાઘના ખોરાક માટે આવશ્યક ગણાય છે. વિભાગે તાજેતરમાં જ 35 જેટલા હરણ અને સાંભર અહીં છોડ્યા છે, જેથી ખોરાકની સમસ્યા ન ઉભી થાય.
વિભાગ સતર્ક: માનવ વસાહતો તરફ વાઘ ન ફરે તેની ખાસ નજર
સૂત્રો જણાવે છે કે વાઘે તાજેતરમાં એક બકરીનો શિકાર કર્યો હોવાનો પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પરંતુ તે ગામોની દિશામાં ન વધે તે માટે વન વિભાગની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે. રાજ્યમાં છેલ્લે 2019માં લુણાવાડા નજીક વાઘ દેખાયો હતો, પરંતુ દુર્ભાગ્યે તેનું અકસ્માતમાં મોત થયું હતું. ડાંગ વિસ્તારમાં 90ના દાયકામાં ડઝન જેટલા વાઘ હતા, પરંતુ સમય જતાં વસ્તી ગાયબ થઈ ગઈ હતી. હવે લગભગ 33 વર્ષ બાદ ફરી વાઘનું રાજ્યમાં સ્થાયી થવાનો સંકેત મળતા વન વિભાગ વધુ સતર્ક થઈ ગયું છે.

